ગરબા જોવા ગયેલા યુવકની ઘાતકી હત્યા, લાડલાના શોધવા પરિવારે આખી રાત ફોન કર્યાં
વડોદરાઃ માંજલપુર વિસ્તારમાં ગરબા જોવા નીકળેલા ૧૯ વર્ષીય દક્ષ પટેલની સયાજીગંજના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર વ્યાપી છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ તેમજ યુવકના મિત્રોની વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં જયઅંબે સ્કૂલ પાસે શિવમ સોસાયટીમાં રહેતો દક્ષ હસમુખભાઇ પટેલ એમ એસ યુનિ.ના એસ વાય બીકોમમાં અભ્યાસ કરે છે.તેના પિતા હસમુખભાઇ પટેલ મકરપુરા જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવવાનો વ્યવસાય કરે છે.જ્યારે, એન્જિનિયર થયેલો ૨૩વર્ષીય ભાઇ કેવિન પિતા સાથે ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે.
ગઇ તા.૨જીએ દક્ષના માતા-પિતા અને ભાઇ સુરેન્દ્રનગર નજીકના મેમકા ગામે એક સબંધીની પુત્રીની સગાઇમાં ગયા હતા અને ત્યાંથી રાતે નજીકના ખજેલી ગામના વતનમાં રોકાયા હતા.જેથી દક્ષ ઘેર એકલો હતો. તા.૩જીએ રાતે દક્ષના પરિવારજનો કારમાં વડોદરા આવી ગયા હતા અને રાતે દક્ષ તેમને મળીને માંજલપુરના અલૈયા બલૈયા ગરબા જોવા ગયો હતો.આ વખતે તેની સાથે સ્કૂટર પર તેનો ભાઇ પણ ગરબા જોવા ગયો હતો.ત્યારબાદ દક્ષ તેના મિત્ર સાથે સયાજીગંજ ગયો હતો અને પછી તેનો ફોન બંધ થઇ ગયો હતો.
આખી રાત દક્ષનો સંપર્ક નહિં થતાં પરિવારજનોએ સવારે માંજલપુરના પીઆઇ વી કે દેસાઇને જાણ કરી હતી.બીજા દિવસે સયાજીગંજના અલંકાર ટાવરના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી દક્ષની લાશ મળી આવતાં એસીપી બી જે ચાવડા,સયાજીગંજના પીઆઇ આર જી જાડેજા અને સ્ટાફના માણસો દોડી ગયા હતા.મરનાર દક્ષ પટેલના પરિવારજનો પણ હાજર હતા.હત્યારાએ દોરડા વડે દક્ષના હાથ-પગ બાંધીને છાતી અને પેટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા તેના આંતરડા બહાર આવી ગયા હતા. સયાજીગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી છે.
દક્ષની હત્યા મોડી રાતે થઇ હોવાની આશંકા, પરિવારે આખી રાત ફોન કર્યા
દક્ષ પટેલનો ફોન મોડીરાત બાદ બંધ થઇ ગયો હોવાથી તેની હત્યા રાતે જ થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. દક્ષ પટેલની હત્યાના બનાવ અંગે પોલીસે તેના પરિવારજનો પાસે વિગતો મેળવતાં દક્ષ તેના ભાઇ કેવિનને લઇ માંજલપુર ગરબા જોવા નીકળ્યો હોવાની વિગતો ખૂલી હતી.
ભાઇને ગરબા ગ્રાઉન્ડ પર ઉતાર્યા બાદ દક્ષ સ્કૂટર લઇ ચાલ્યો ગયો હતો.ત્યારબાદ તે નવલખી ગયો હોવાની અને ત્યાંથી સયાજીગંજ ગયો હોવાની વિગતો ખૂલી છે. ગરબા પુરા થતાં દક્ષના ભાઇએ ઘેર લઇ જવા માટે કોલ કર્યો હતો.પરંતુ તેનો ફોન બંધ આવતો હતો.જેથી ભાઇ પોતાની રીતે ઘેર ચાલ્યો ગયો હતો.ત્યારબાદ મોડીરાત સુધી દક્ષ નહીં આવતાં પરિવારજનોએ સતત ફોન કર્યા હતા.પરંતુ તેનો ફોન ચાલુ થયો જ નહતો.
દક્ષની હત્યા પાછળ પ્રેમપ્રકરણ,પાર્થ નામના મિત્રની પૂછપરછ
દક્ષ પટેલની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા સેવાઇ રહી છે.પોલીસે પણ આ દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. કોલેજીયન યુવક દક્ષ પટેલની ઘાતકી હત્યાના બનેલા બનાવમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર જી જાડેજા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસની એક પછી એક કડીઓ જોડી રહ્યા છે. પ્રાથમિક તબક્કે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે.પોલીસે આ અંગે દક્ષની સાથે છેલ્લે જોવા મળેલા પાર્થ નામના મિત્રની પૂછપરછ હાથ ધરી છે.
દક્ષને શોધવા પરિવારની આખો દિવસ રઝળપાટ, સ્કૂટર શોધી કાઢ્યું
દક્ષને શોધવા માટે પરિવારજનો આખો દિવસ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને તેમણે જ પોલીસને મોટાભાગની વિગતો આપતાં ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસનું કામ આસાન બન્યું હતું. દક્ષ પટેલનો ફોન આખી રાત બંધ આવતાં તેના પરિવારજનો સવારે માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને દક્ષ પટેલ ગૂમ થયો હોવાની જાણ કરી હતી.ત્યારબાદ પોલીસ અને પરિવારજનોએ તપાસ જારી રાખી હતી.
દરમિયાનમાં દક્ષના પરિવારજનો બસ ડેપો તેમજ સ્ટેશન વિસ્તારમાં શોધખોળ કરતા હતા ત્યારે અલંકાર એપાર્ટમેન્ટ બહાર તેનું સ્કૂટર મળ્યું હતું.પરિવારજનોએ વધુ તપાસ કરતાં તેની સાથે છેલ્લે પાર્થ નામનો મિત્ર હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે પાર્થને શોધી પૂછપરછ હાથ ધરી છે.