અમદાવાદમાં પિતાએ પુત્રીને સમજાવીને રાત્રે સાસરીમાં મોકલી ને બીજા દિવસે સવારે ફાંસો ખાધો

ગૃહકલેશથી કંટાળીને મેઘાણીનગરમાં વધુ એક મહિલાએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, બેકાર પતિ ઘર ખર્ચ આપતો ન હતો અને પત્નીને મારઝૂડ કરતો હતો. શુક્રવારે રાતે પિતાએ સમજાવીને દિકરીને ઘરે મોકલી તો સાસરીના ત્રાસથી કંટાળીને મહિલાએ શનિવારે સવારે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે મેઘાણીનગરમાં કલાપીનગર પાસે પદમાવતી સ્કૂલ પાસે ગુ.હા. બોર્ડના મકાનમાં રહેતા ભરતભાઇ મંગાભાઇ પટણી (ગલીયાવાળા, ઉ.વ.૫૩)એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગરમાં કલાપી નગર રોહીતદાસ સોસાયટી પાસે વૈકુઠ સોસાયટીમાં રહેતા પતિ હિતેશભાઇગોવિંદભાઇ પટણી તથા સાસુ ,સસર સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દિકરીના ગૌરી બહેનના ૨૦૧૮માં લગ્ન થયા હતા.

લગ્નના ત્રણ મહિના બાદ ખબર પડી કે પતિ કામ ધંધો કરતો નથી, મહિલા સમજાવવા પ્રયાસ કરતાં તું અમારી ઘરની ચાડીયો ખાય છે કહીને પતિ મારઝૂડ કરતો હતો. ઘરનું કામ એકલી મહિલા પાસે કરાવીને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા જેથી જે તે સમયે મહિલા સાત મહિના પિયરમાં રહી હતી બાદમાં મકાનમાં ભાગ પાડીને અલગ રહેતા હતા.

પતિ તારા કારણે મારો ભાઇ અલગ થઇ ગયો તેમ કહીને મારઝૂડ કરતો હતો. તા.૯ના રોજ બપોરે દિકરી પિતાની દુકાને મળવા ગઇ હતી અને રાતે ગણપતિ વિસર્જન જોવા પણ પિયરમાં ગઇ હતી તે સમયે માનસિક શારિરીક ત્રાસ અને પતિ મારઝૂડ કરતો હોવાની વાત કરી હતી.

જો કે માતા-પિતાએ સમજાવીને પુત્રીને ઘરે મોકલી હતી તો શનિવારે સવારે જમાઇ ફોન કરીને તમારી દિકરી પડી હોવાની વાત કરી હતી પરિવારજનો એ સિવિલમાં જઇ જોયું ત્યારે ખબર પડી કે તેણીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની જાણ થઇ હતી જેને લઇને ફરિયાદીએ દિકરીના પતિ સહિત સાસરીયા સામે ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *