સુરતમાં છુટાછેડા લીધા બાદ પૂર્વ પતિનું હેવાનીયત ભર્યું કૃત્ય
શહેરના મુગલીસરા વિસ્તારની પ્રેમલગ્ન કરનાર બે સંતાનની માતા સાથે છુટાછેડા લીધા બાદ પુનઃ તારી સાથે લગ્ન કરવા છે એમ કહી વાતચીત કરવાના બહાને ફરવા લઇ ગયા બાદ રાંદેર રોડ તાડવાડી વિસ્તારમાં લઇ જઇ અંધારાનો લાભ લઇ જબરજસ્તી હગ કરવાના બહાને થાપા પર એચઆઇવી પોઝીટીવ લોહીવાળું ઇન્જેકશન મારી હેવાનીયત ભર્યુ કૃત્ય આચાર્યુ હતું.
રાંદેર પોલીસ સ્ટેશનમાં 15 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખી સ્લો પોઇઝન રૂપે પત્ની અને તેની સાથે સંબંધ ધરાવનારને મારવાના બદઇરાદે હેવાનીયત ભર્યુ કૃત્ય આચાર્યાની ફરીયાદ નોંધાય છે. હાલમાં મુગલીસરાના મસક્ન એપાર્ટમેન્ટમાં રહેતી યાસ્મીન અમીમુદ્દીન સેરઅલી સૈયદ (ઉ.વ. 30) પંદર વર્ષ અગાઉ ડ્રાઇવીંગ કામ કરતા શંકર મોહન કામળે (ઉ.વ. 35 રહે. સુમન શાંતિ આવાસ, મોરાભાગળ) સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
પરંતુ બંનેને મનમેળ નહીં હોવાથી બે મહિના અગાઉ છુટાછેડા લઇ યાસ્મીન બે સંતાન સાથે પિયરમાં રહેતી હતી. પરંતુ ગત રોજ શંકરે કોલ કરી મારે તને મળવું છે એમ કહી ઘરે ગયો હતો. જયાંથી તારી સાથે મારે પુનઃ લગ્ન કરવા છે એમ કહી ફરવા લઇ જઇ શોપીંગ કર્યુ હતું.
ત્યાર બાદ ઢળતી સાંજે રાંદેર રોડ તાડવાડી સ્થિત રાયન સ્કૂલ નજીક ખુલ્લી જગ્યામાં લઇ જઇ હગ કરવાના બહાને યાસ્મીનના ડાબા થાપા પર કંઇક મારી દીધું હતું. જેથી યાસ્મીનને ચક્કર આવતા અને દુખાવો થતા બુમાબુમ કરતા શંકર ત્યાંથી ભાગી ગયો હતો.
યાસ્મીને શંકર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઇ હતી. જયાંથી તુરંત જ યાસ્મીનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જયાં તબીબોએ લોહી સહિતના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલાવ્યા છે. બીજી તરફ પોલીસે શંકરની ધરપકડ કરી પૂછપરછ કરી હતી.
શંકરે આચરેલી હેવાનિયત અંગે કબૂલાત કરી હતી કે યાસ્મીનને પરપુરૂષ સાથે સંબંધ હોવાની શંકાના કારણે તેનું અને તેના પ્રેમીને મારવા માટે મિત્ર હસ્તક નાનપુરાની લેબોરેટરીમાંથી એચઆઇવી પોઝીટીવ વાળું લોહી મેળવી તેનું ઇન્જેકશન આપ્યું હતું. શંકર પાસેથી કસનળી કબ્જે લઇ નાનપુરાની લેબોરેટરીમાં તપાસ હાથ ધરી છે.