જાણીતા એક ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર દરોડા
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે આવેલા જાણીતા ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં ગઈ રાત્રે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને ઉદ્યોગપતિના પુત્ર સહિત પાંચ શ્રીમંત નબીરાઓની દારૂની મહેફિલ ની રંગતમાં ભંગ પાડી રંગે હાથ ઝડપી લીધા હતા. આ દરોડાની કાર્યવાહીને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસના આ હાઈ પ્રોફાઈલ દરોડા ની વિગત એવી છે કે જામનગરના સ્વર્ગસ્થ અગ્રણી ઉદ્યોગપતિ વિનોદભાઈ વસંત ઉર્ફે કિલુભાઈ કે જેના પુત્ર મિતલના મહાકાળી સર્કલ પાસે આવેલા મિતલ ફાર્મ હાઉસમાં ગઈ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી છે, અને જામનગરના કેટલાક શ્રીમંત નબીરાઓ એકત્ર થઈને દારૂનો નશો કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમી ના આધારે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટુકડીએ રાત્રિના નવેક વાગ્યાના સમયે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન મિત્તલભાઇ વિનોદભાઈ વસંત તેમના અન્ય ચાર મિત્ર સાથે ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણી રહેલા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે બનાવના સ્થળેથી દારૂની મહેફિલ માં ઉપયોગમાં લેવાયેલી ઇંગ્લિશ દારૂની બે નંગ બાટલી, તથા અન્ય સામગ્રી વગેરે કબજે કરી લીધી હતી.
ઉપરાંત મિતલ વિનોદભાઈ વસંત, તેમજ અન્ય શ્રીમંત નબીરાઓ વરુણ રાકેશભાઈ બંસલ, વિરાજ યજ્ઞેશભાઇ વિઠલાણી, મંથન શૈલેષભાઈ મહેતા, અને કરણ અમુલકર રાજ ગ્રોવર ની અટકાયત કરી લીધી છે, અને ચારેય સામે પ્રોહીબિશન ની કલમ ૬૫ એ. એ,૮૧,૮૪,૮૬,૬૬(૧)બી મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસના આ દરોડા ને લઈને જામનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જેઓને છોડાવવા માટે અનેક લોકોએ ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ પોલીસની ટિમ ટસ ના મસ થઈ ન હતી, અને તમામ શ્રીમંત નબીરાઓ સામે દારૂની મહેફિલ અંગેનો કેસ કરી લીધો હતો. જેથી પાંચેય શ્રીમંત નબીરાઓએ પોલીસ મથકમાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો, સાથો સાથ તેઓના પરિવારજનોએ પણ રાત ઉજાગરા કર્યા હતા.