ચોકલેટ, વેનિલા અને ઈલાઈચી ફ્લેવરના કપમાં ચા પીવો પછી તે જ કપ ખાઈ જાવ

20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિ. એ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે માટીના કુલ્લડ અને ખાસ પ્રકારના વેફર કપ હવે પેપર કપના વિકલ્પ બન્યા છે. લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીને તેને ખાઈ પણ શકશે. અડધી ચાનો ભાવ રૂ.10થી 12 છે તેની વેફર કપ સાથેની કોસ્ટ રૂ.14થી 16 થઈ જશે. કુલ્લડમાં અપાતી ચા માટે રૂ.15 ચૂકવવા પડશે.

પેપર કપ પર આવી રહેલા પ્રતિબંધ પૂર્વે આસ્ટોડિયા દરવાજા પાસેના 51 વર્ષ જૂના ટી સ્ટોલ પર વેફર કપમાં ચા આપવાનું શરૂ કરાયું છે. વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પી જવી પડશે.

ટી-સ્ટોલના માલિકે કહ્યું, અમે ચાની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ વેફર કપ અને કુલ્લડને કારણે કોસ્ટ વધી જાય છે. વધારાના રૂ.4 વેફર કપ અને કુલ્લડ માટે વસૂલાય છે.

તેમણે કહ્યું કે, અમે અમારા કાયમી કસ્ટમરને અમારા ખર્ચે સ્ટીલના ગ્લાસ ખરીદીને આપી દીધા છે. જેથી તેમના ઉપર નવો વધારો લાગુ નહીં પડે.

મહત્ત્વનું છે કે, મ્યુનિ. એ ચાના પેપર કપ બંધ કર્યા હોય તે ગુજરાતનો આ પ્રથમ નિર્ણય છે. મ્યુનિ.ના જણાવ્યા પ્રમાણે પેપર કપ ઉપર પાબંદી મૂકવાના કારણે શહેરમાં આશરે 20 લાખ પેપર કપના વેસ્ટેજ ઉપર નિયંત્રણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *