GUJARAT

83 વર્ષના વ્રજેશકુમારજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, બેન્ડે અંતિમ સલામી આપી

પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ પરંપરામાં 85 વર્ષથી ઝળહળતો જ્ઞાનનો સૂર્ય આથમી ગયો હતો. પુષ્ટિમાર્ગની તૃતીયપીઠના ગાદીપતિ કાંકરોલી નરેશ પ.પૂ.શ્રી વ્રજેશકુમારજી મહારાજે ખાનગી હોસ્પિટલમાં સવારે 11.34 વાગ્યે દેહત્યાગ કરીને નિત્યલીલા તરફ પ્રયાણ કર્યુ હતું. બપોરે બેઠક મંદિરમાં અંતિમ દર્શન બાદ હજારો વૈષ્ણવોની હાજરીમાં અંતિમક્રિયા પૂર્ણ થઇ હતી.

83 વર્ષના શ્રી વ્રજેશકુમારજી 10 દિવસથી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ધીમે ધીમે તેઓએ પૃથ્વી પરની લીલા સંકેલી હતી. કેવડાબાદ બેઠક મંદિર ખાતે અંતિમ દર્શનમાં હજારો વૈષ્ણવો ઉમટી પડયા હતા. ભીડ એ હદે હતી કે આખો કેવડાબાગ વિસ્તાર વૈષ્ણવોથી ભરાઇ ગયો હતો. વડોદરાના ધર્માચાર્યો, સંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ પણ અંતિમ દર્શન કરી વ્રજેશકુમારજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બપોરે અંતિમયાત્રા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી. તેમના નશ્વરદેહને મોટાપુત્ર વાગિશબાવા, નાના પુત્ર દ્વારકેશલાલજી ઉપરાંત પૂજ્યશ્રીના ભાઇઓ પરાગકુમારજી મહારાજ અને શિશિરકુમારજી મહારાજે કાંધ આપી હતી.

પૂ.વ્રજેશકુમારજી તૃતીયપીઠાધિશ્વર હોવા ઉપરાંત કાંકરોલીના રાજા પણ ગણાતા હતા એટલે તેઓ સરકારના નામથી પણ ઓળખાતા હતા એટલે બપોરે તેમના દેહને અંતિમયાત્રા માટે તૈયાર કરીને બેઠક મંદિરના મુખ્ય દરવાજા પાસે લાવવામાં આવ્યો ત્યારે કાંકરોલીથી આવેલા ખાસ બેન્ડ દ્વારા પરંપરા મુજબ અંતિમ સલામી આપી હતી.

પૂજ્યશ્રીના દેહને જ્યારે ફુલોથી શણગારેલી ગાડીમાં લાવવામા આવ્યો ત્યારે હજારો વૈષ્ણવોની આંખોમાંથી અશ્રુઓ વહેતા નજરે પડી રહ્યા હતા. અષ્ટાક્ષર મંત્રના જાપ સાથે પૂજ્યશ્રીની અંતિમયાત્રા કેવડાબાગથી જયરત્ન, માર્કેટ ચાર રસ્તા, દાંડિયાબજાર ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા અને નાગરવાડા થઇને કારેલીબાગ બહૂચરાજી સ્મશાનમાં પહોંચી હતી. અહી પુષ્ટિમાર્ગિય પરંપરા મુજબ વિધિ પૂર્ણ થયા બાદ સાંજે ૪.૪૫ વાગ્યે યમુનાષ્ટકમના પાઠ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

પૂ.વ્રજેશકુમારજી મહારાજનો જન્મ 20 જાન્યુઆરી 1940ના રોજ કાંકરોલી નરેશ પૂ.શ્રી વ્રજભુષણલાલજી મહારાજના પ્રથમ પુત્ર તરીકે થયો હતો. તેમનું બાળપણ અને કિશોરઅવસ્થા કાંકરોલીમાં જ વિત્યા હતા.

બાલ્યાવસ્થાથી જ તેઓએ શાસ્ત્રોનો અભ્યાસ આરંભ્યો હોવાથી યુવા અવસ્થા સુધીમાં તેઓએ સનાતન વૈદિક ધર્મની લગભગ બધી શાખાઓના ગ્રંથોને આત્મસાત કરી લીધા હતા.ગુજરાતી, સંસ્કત, હિન્દી અને મેવાડી ભાષા પર એક સમાન પ્રભુત્વ હતુ. સંસ્કૃતમાં ગદ્ય- પદ્ય સાહિત્યની વિપુલ પ્રમાણમાં રચનાઓ કરી હતી.

વ્રજેશકુમારજીનું લગ્ન 1960માં સુરત ખાતે પૂ.શ્રી.રશ્મિકા વહુજી સાથે થયું હતું. જેના ફલ સ્વરૃપે બે પુત્રીઓ અને બે પુત્રોની પ્રાપ્તી થઇ હતી. બે પુત્રીઓ અમદાવાદ ખાતે બિરાજમાન છે જ્યારે પુત્રોમાં પ.પૂ.શ્રી ડો.વાગિશકુમારજી મહારાજ અને પ.પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજનો સમાવેશ થાય છે. 1980માં શ્રી વ્રજભુષણ લાલજી નિત્યલીલામાં પધારતા તેમના ઉત્તરાધિકારી તરીકે તૃતીય પીઠના ગાદિપતિ પદે શ્રી વ્રજેશકુમારજી આરૃઢ થયા હતા.

પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ પરંપરા મુજબ વલ્લભકૂળમાં મૃત્યુ બાદ દશમાં દિવસની દશઘાટની વિધિ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પૂ.વ્રજેશકુમારજીની દશઘાટની વિધિ વડોદરા નજીક હેતમપુરા ખાતે તા.8મી માર્ચના રોજ યોજાશે. જેમાં દેશભરમાંથી 200થી વધુ વૈષ્ણવાચાર્યો અને વલ્લભકુળ આગેવાનો હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *