વડોદરામાં મોઈને ધોરણ-૯ની વિદ્યાર્થિનીને ફ્લેટ પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો
વડોદરાઃ ધોરણ-૯ની વિદ્યાર્થિનીને ફ્લેટ પર લઇ જઇ બળાત્કાર ગુજારનાર મોઇન પઠાણને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દીવાળીપુરા વિસ્તારના ટયુશન ક્લાસમાં જતી સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવનાર મોઇન નામનો યુવક નજીકના ગેરેજમાં કામ કરતો હતો અને ટયુશને જતી આવતી વિદ્યાર્થિનીના પરિચયમાં આવી સોશ્યલ મીડિયા પર સંપર્કમાં હતો.
ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થિની ક્લાસમાંથી બહાર નીકળી ત્યારે મોઇન સ્કૂટર લઇને આવ્યો હતો અને આજે મારો બર્થ ડે છે,વિશ કરવા ઘેર આવવું જ પડશે..તેમ કહી વિદ્યાર્થિનીને પોતાને ઘેર લઇ ગયો હતો.જ્યાં તેણે બેડરૃમનો દરવાજો બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
તાંદલજાના રિઝવાન ફ્લેટ્સમાં રહેતા મોઇન શાહનવાઝ પઠાણને સગીર વયની વિદ્યાર્થિનીને ફસાવી બળાત્કાર ગુજારવાના કેસમાં ધરપકડ કરી પોલીસે તેનો મોબાઇલ કબજે કર્યો છે.આ ઉપરાંત તેની સાથે મદદગારીમાં કોઇ સામેલ છે કે કેમ તેની તપાસ માટે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર મોઇને તેના પરિવારજનોને સગીરાનો ફોટો પણ બતાવ્યો હોવાની વિગતો બહાર આવી છે. પીડિતાને પોતાની ફ્રેન્ડ તરીકે પરિચય આપનાર મોઇને પોતાના ફ્લેટમાં બળાત્કાર ગુજાર્યો ત્યારે તેની ભાભી અને બહેન ફ્લેટમાં હાજર હતા.તેમણે મોઇનને પૂછ્યું પણ હતું.પરંતુ તેણે મારી ફ્રેન્ડ છે તેમ કહી બેડરૃમમાં લઇ ગયો હતો.
આ પ્રકરણની તપાસ કરતા એસીપી એ વી રાજગોરે કહ્યું હતું કે,ફ્લેટમાં હાજર બંને મહિલાની પણ પોલીસ પૂછપરછ કરનાર છે. મોઇને તેના પરિવારજનોને વિદ્યાર્થિનીનો ફોટો બતાવી તેની સાથે લગ્ન કરનાર હોવાનું પણ જણાવ્યું હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.જો કે,તેના પરિવારજનોએ હજી છોકરી નાની છે તેમ પણ કહ્યું હતું.
વિદ્યાર્થિનીના માતાના મોબાઇલનો ઉપયોગ છતાં ગંધ ના આવી
વિદ્યાર્થિની તેની માતાના મોબાઇલનો ઉપયોગ કરતી હતી.આ મોબાઇલમાં ઇન્ટરનેટ પણ ચાલુ હતુ અને આ જ મોબાઇલ પર મોઇન ઉર્ફે આર્યન અને વિદ્યાર્થિની વચ્ચે વાતચીત થતી હતી.આમ છતાં માતા ને કોઇ ગંધ આવી નહતી.જેથી આ કિસ્સા પરથી બાળકોને મોબાઇલ આપતા વાલીઓએ પણ બોધ લેવા જેવો છે.