પત્નિએ પતિની હત્યા કરી, પતિની હત્યાને કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ કર્યું નાટક
વડોદરાઃ નાની નાની વાતોમાં પત્નીને ટોર્ચર કરતા પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીની ગઇરાતે સહનશક્તિ ખૂટતાં તેણે પતિની ઘાતકી રીતે હત્યા કરી હતી.ફતેગંજ પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
છાણી ટી પી-૧૩ વિસ્તારમાં સોમેશ્વર મહાદેવ સામે વીએમસી ક્વાટર્સમાં ૪૨ વર્ષનો નવીન ગોરધનભાઇ શર્મા તેની પત્ની રંજન, ૮ વર્ષના પુત્ર અને ૬ વર્ષની પુત્રી સાથે રહેતો હતો.બાજુના જ ફ્લેટમાં નવીનના વયોવૃધ્ધ પિતા ગોરધનભાઇ અને માતા કૈલાસબેન રહે છે.નવીનને તેની પત્ની રંજન સાથે અવારનવાર તકરાર થતી હોવાથી રંજન બાજુમાં આવેલા સસરાના ફ્લેટમાં બાળકો સાથે સૂઇ રહેતી હતી.
નવીન કોઇ કામ ધંધો કરતો નહતો.જ્યારે,રંજન આસપાસના બંગલા ઓમાં ઘરકામ કરીને બંને બાળકોને ઉછેરતી હતી.ગઇકાલે રાતે રંજન ઘેર આવી હતી અને સસરાને ખીર ખવડાવી હતી.આ વખતે તેના બંને સંતાનો બાજુના ફ્લેટમાં પતિ નવીન પાસે હતા.જેથી રંજન પણ ત્યાં ગઇ હતી.મધરાતે બાર વાગે તે બાળકોને લઇ સસરાના ફ્લેટમાં પરત આવી હતી.
સવારે સાડા છ વાગે રંજન ફરીથી પતિના ફ્લેટમાં ગઇ હતી અને થોડી વારમાં તેણે સસરાને બૂમ પાડી હતી કે,પપ્પા જલ્દી આવો, નવીન નીચે પડી ગયા છે,બોલતા નથી.વૃધ્ધ સસરાએ ત્યાં જઇ નવીનને પાણી પીવડાવ્યું હતું પણ તે પીતો નહતો.જેથી ૧૦૮ને બોલાવી હતી.નવીનના ગળા તેમજ હાથે-પગે ઇજા જોઇ ૧૦૮ના સ્ટાફને શંકા ગઇ હતી.તેમણે ફતેગંજ પોલીસને જાણ કરતાં પીઆઇ કે પી પરમારે તપાસ કરી હતી.જે દરમિયાન નવીનની હત્યા થઇ હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસની પૂછપરછમાં પત્ની રંજને કબૂલ્યું હતું કે,રાતે ચારિત્ર્ય પર શંકા કરી નવીને મને લાત મારી હતી.જેથી લોખંડના રોડથી તેનું ગળું દબાવી દીધું હતું.ત્યારબાદ પગે વાયર બાંધીને કરંટ આપ્યો હતો.જેથી ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની પૂછપરછ હાથ ધરી છે.
પતિની હત્યાને કુદરતી મોતમાં ખપાવવા સવારે પત્નીનું નાટક…
સસરાને બૂમ પાડી,પપ્પા નવીન કાંઈ બોલતા નથી, નીચે પડયા છે
સવારે બંને બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલ્યા પછી ૧૦૮માં પતિને દવાખાને પણ તે જ લઇ ગઇ
પતિની હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા માટે પત્નીએ ગજબનું નાટક કર્યું હતું.પરંતુ તેની નૌટંકી લાંબી ચાલી નહતી. ૪/૪૩ નંબરના ફ્લેટમાં મધરાતે પતિ નવીનની હત્યા કરનાર પત્ની તેના બંને બાળકોને લઇ રાતે જ બાજુના ૪/૪૨ નંબરના ફ્લેટમાં રહેતા સસરા ગોરધનભાઇને ત્યાં જતી રહી હતી.
સવારે સાડા છ વાગે તેણે બંને બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલ્યા હતા.ત્યારબાદ તે બાજુના ફ્લેટમાં રહેતા પતિના ફ્લેટમાં ગઇ હતી અને ત્યાંથી સસરાને બૂમ પાડી નવીનને કાંઇ થઇ ગયું છે,નીચે પડયા છે..કાંઇ બોલતા નથી..તેમ કહીને બોલાવ્યા હતા.એટલું જ નહિં પણ તેણે જ ૧૦૮ને બોલાવી હતી અને સિવિલ હોસ્પિટલમાં પણ સાથે ગઇ હતી.પરંતુ પતિના ગળે નિશાન હોવાથી પોલ ખૂલી ગઇ હતી.
ગોરધનભાઇ ૮૦ વર્ષની વયે પણ હેર સલૂનમાં કામ કરી પરિવાર માટે મદદરૃપ થાય છે.તેમના બે પુત્રો પૈકી કનુએ છ વર્ષ પહેલાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.જેથી કનુના બંને સંતાનોને લઇ તેની પત્ની તેના ભાઇને ત્યાં રહે છે.
ગોરધનભાઇ કનુના મકાનમાં જ રહે છે. કનુના મકાનની પાસેના મકાનમાં ગોરધનભાઇના બીજા પુત્ર નવીનનો ફ્લેટ છે.નવીનની પણ હત્યા થતાં હવે તેના બંને સંતાનોની જવાબદારી ગોરધનભાઇ પર આવી છે.
જાણે કાંઇ થયું જ નથી તેમ હત્યા બાદ સૂઇ ગઇ
પતિની હત્યા કર્યા બાદ જાણે કાંઇ થયું જ નથી તેમ બતાવવા માટે પત્ની બાજુના ફ્લેટમાં રહેતા સસરાને ત્યાં રોજની જેમ બંને બાળકો સાથે ગઇ હતી.સવાર થતાં તેણે રોજની જેમ ઘરકામ પણ કરવા માંડયા હતા.
પરિવાર પ્રત્યે ખૂબ લાગણી હતી,સસરા- પતિને રાતે ખીર ખવડાવી
પતિની હત્યા કરનાર પત્નીને પરિવાર માટે લાગણી હોવાનું જણાઇ આવે છે.બંને બાળકો માટે લોકોના ઘરકામ કરતી રંજન પતિના ત્રાસને કારણે રાતે બંને બાળકો સાથે બાજુના ફ્લેટમાં સુવા જતી હતી.આમ છતાં તે પરિવારજનો પ્રત્યેની જવાબદારી ચૂકતી નહતી.ગઇરાતે દસ વાગે આવી હોવા છતાં તેણે પતિ,સસરા અને બાળકોને ખીર ખવડાવી હતી.