ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ, કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સતત બીજા દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં આફતનો વરસાદ વરસ્યો હતો. દાહોદ અને અંબાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાટણમાં તો જોરદાર વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર વરસતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જોવા મળ્યો હતો. આજે અંબાજી અને આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં ગતરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. કડકડતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતીપાકોને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

પાટણના સિદ્ધપુરમાં આજે બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સિદ્ધપુરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયેલા જોવા મળ્યા હતા.

દાહોદ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતારણ બાદ લીમખેડા, ધાનપુર અને ઝાલોદ પંથકના કેટલાંક ગામોમાં વરસાદ સાથે કરાં પડતાં આશ્ચર્ય ફેલાયુ હતું. શનિવારના રોજ પણ વાતાવરણ બદલાયા બાદ કેટલાંક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા હતા.ઝાલોદ તાલુકાના મીરાખેડી પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું દસ મિનિટ સુધી ચાલ્યુ હતું. ગામોમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું અને બરફના કરા સાથે વરસાદ પડતાં ખેડૂતો ચોકી ઉઠ્યા હતાં.

આ ઘટનાથી ખેતીપાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.ધાનપુર તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો. અહીં પણ કરા સાથે વરસાદનું ઝાપટુ પડ્યુ હતું. ધાનપુરના રામપુર, બોગડવા, નાગટી, ઘોડા, અગાસવાણી સહિતના વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ પડ્યો હતો. જ્યારે અડધો-અડધ તાલુકો કોરો જ રહ્યો હતો. આ સાથે લીમખેડા પંથકમાં પણ બપોરના સમયે 20 મિનિટ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં કેટલાક ગામોમાં કરા પડ્યા હોવાના અહેવાલ પણ મળ્યા હતા.

ધરમપુરમાં કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત
રવિવારે સવારથી વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો હતો. ધરમપુર તાલુકાના છુટ્ટા છવાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. આંબા વાડીમાં ફ્લાવરીંગની સીઝનમાં વરસાદ પડતાં આબાના ફૂલો ખરી જવાની અને આંબા વાડીમાં તૈયાર થઈ રહેલા પાકમાં ભારે નુક્સાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

પાવી જેતપુરના વાતાવરણમાં પલટો
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના વાતાવરણમાં આજે સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે માવઠું થતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાવીજેતપુર પંથકમાં મોટેભાગે કપાસ, મકાઈ, દિવેલાનો પાક મબલખ થાય છે જેને નુકસાન થવાની ભીતિ છે.

લોકો ગરમ કપડા સાથે રેઈનકોટ કાઢવા મજબૂર
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જે વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તો અન્ય વિસ્તારમાં ઠંડી ઘટી છે. વાતાવરણમાં પલટાના કારણે હાલ અનેક વિસ્તારોમાં લોકોએ ગરમ કપડાની સાથે રેઈનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *