પતિ, પત્ની અને વોહના અનોખા કિસ્સા અને તેના અંજામે ભલભલી ફિલ્મી સ્ટોરીઓને ઝાંખી પાડી
પ્રણય ત્રિકોણ દર્શાવતી ઘણી કહાનીઓ ફિલ્મના પરદા પર જોઈ હશે પણ તિરુપતિમાં પતિ, પત્ની અને વોહ..ના અનોખા કિસ્સા અને તેના અંજામે ભલભલી ફિલ્મી સ્ટોરીઓને ઝાંખી પાડી દીધી છે.
તિરુપતિમાં રહેનાર કલ્યાણ નામનો યુવક યુ ટ્યુબ પર ખાસો પ્રસિધ્ધ છે. કેટલાક વર્ષ પહેલા વિમલા નામની યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી અને એ પછી બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરી લીધા હતા. કલ્યાણ અને વિમલાએ લગ્ન બાદ એક બીજા સાથે મળીને સોશિયલ મીડિયા પર વિડિયો બનાવીને અપલોડ કરવાનુ શરુ કર્યું હતું.
આ પહેલા કલ્યાણનો પરિચય વિશાખાપટ્ટનમની નિત્યા નામની યુવતી સાથે થયો હતો. નિત્યા પણ સોશિયલ મીડિયા પર વિડિયો બનાવીને અપલોડ કરતી હતી. કલ્યાણ અને નિત્યા વચ્ચેના સબંધો જોકે થોડા સમય બાદ તુટી ગયા હતા અને કલ્યાણે એ પછી વિમલા સાથે લગ્ન કર્યા હતા.
જોકે નિત્યાને આખરે વિમલા સાથેના લગ્નની ખબર પડી ત્યારે તે વિમલા પાસે પહોંચી ગઈ હતી. તેણે વિમલાને હાથ જોડીને કલ્યાણ સાથે લગ્ન માટે વિમલાની મંજૂરી માંગી હતી અને સાથે સાથે પ્રસ્તાવ મુકયો હતો કે, આપણે ત્રણે એક જ ઘરમાં રહીશું.
થોડા સમય માટે વિચાર કરીને વિમલાએ નિત્યાને પણ કલ્યાણ સાથે રહેવા માટે મંજૂરી આપી દીધી હતી.વિમલાએ મંદિરમાં પોતાના પતિ કલ્યાણ સાથે નિત્યાના લગ્ન પણ કરાવ્યા હતા અને ત્રણેએ તસવીરો પણ ખેંચી હતી.જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.