GUJARAT

રાજકોટના કુવાડવા નજીક પુરપાટ દોડતી ટ્રકે કારને હડફેટે લેતા બે મિત્રોને મોત

રાજકોટ: અહીંના કુવાડવા રોડ ઉપર ગઇકાલે મધરાતે કાળદૂત બનીને ધસમસતા આવેલા ટ્રકે મોટરકારને હડફેટે લેતા બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ અકસ્માતના સ્થળે અનેક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ મહામહેનત કારમાંથી બન્ને યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

રાજકોટનાં સિમાડે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણવા મળતી વિગતો એવી છે કે અહીંના કૂવાડવા રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની પાસે પુરઝડપે આવી રહેલા ટ્રકે ગઇકાલે રાત્રિનાં કારને હડફેટે લેતા કારમાં બેઠેલા મિતેષ વિનોદભાઇ સરપદડીયા (ઉ.વ. ૨૧, રહે. લાખેશ્વર સોસાયટી, પેડક રોડ) અને ભગવાન દગડુભાઇ સોનુ (ઉ.વ. ૨૪)ને શરીરે ગંભીર ઇજા થતા બન્નેના ઘટના સ્થળે જ કારણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ જતા કુવાડવા પોલીસ આવી પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી અકસ્માતગ્રસ્ત કારમાં ફસાયેલા બન્ને યુવકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ પામનાર બે પૈકી મિતેષ સરપદડીયા નામનો યુવક ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો તેના પિતા પાન મસાલાની ફેરી કરે છે.

તેમજ બીજો યુવક ભગવાનજી પેડક રોડ ઉપર આવેલી રતનદીપ સોસાયટીમાં રહી ઇમીટેશન ભઠ્ઠીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનાં લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા. પત્ની સગર્ભા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. કાળનો ભોગ બનેલા બન્ને મિત્રો મેસરિયા નજીક હોટલમાં જમવા ગયા હતા. જમીને પરત ફરતા ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *