GUJARAT

વડોદરામાં ઉત્તરાયણની રાત્રે કારની અડફેટે બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

વડોદરા : આજવારોડ પર માધવનગર પાસે ઉત્તરાયણની રાત્રે સફેદ કલરની સ્વિફ્ટ કારે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.અકસ્માત સર્જીને કાર ચાલક કાર ઘટના સ્થળે જ છોડીને ફરાર થઇ ગયો હતો. ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય થયો છતાં પોલીસ કાર ચાલકને શોધી શકી નથી. 

પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયારોડ પર ઉકાજીના વાડીયા પાસે વાલ્મિકી નગરમાં રહેતો રાહુલ મહેશભાઇ વસાવા (ઉ.૨૨) અને ભાવેશ પ્રવિણભાઇ વસાવા (ઉ.૧૯) શનિવારે રાત્રે બાઇક લઇને આજવારોડ પર માધવનગર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે ધસી આવેલી એક સફેદ કલરની સ્વિફ્ટ કારે બાઇકને અડફેટમાં લીધી હતી.

જેના પગલે રાહુલ અને ભાવેશ બન્ને બાઇક પરથી ઉછળીને પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે બન્નેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ અકસ્માત બાદ કાર ચાલક કારની નંબર પ્લેટ કાઢીને કારને ઘટના સ્થળે જ છોડીને નાસી ગયો હતો.

આ અકસ્માત અંગે બન્ને યુવકના સંબંધી શિવાભાઇ વસાવાએ કહ્યું હતું કે ‘કાર ચાલક આગળ પણ અકસ્માત કરીને ત્યાં ઝઘડો કરીને આવ્યો હતો એવી માહિતી અમને મળી છે. આ બન્ને યુવકો ડી.જે.નું કામ કરતા હતા. જે પૈકી ભાવેશ તો અભ્યાસ પણ કરતો હતો જ્યારે રાહુલના માતા પિતાનું અગાઉ અવસાન થઇ ચુક્યુ છે એટલે તે તેની દાદીને ત્યાં રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *