જાણીતા ટીવી એક્ટરે સ્ત્રી મિત્રને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવ્યા
મુંબઈ : મોડેલ અને ટીવી અભિનેતા અમિત અંતિલ સામે જાતીય સતામણી અને ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતાએ મહિલાના ખાનગી ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કરવાની ધમકી આપી લાખો રૃપિયા પડાવી લીધા હતા. પોલીસે આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
દક્ષિણ મુંબઈમાં રહેતી ૪૨ વર્ષીય પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ‘અભિનેતાએ પહેલા તેની સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ બંને એકબીજાને મળવા લાગ્યા હતા. આ મીટિંગ દરમિયાન તેણે ગુપ્ત રીતે મહિલાના ખાનગી ફોટો લીધા હતા. પછી આ ફોટોનો ઉપયોગ કરીને પીડિતાને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું હતું.
ફોટાનો દુરુપયોગ કરી અમિતે મહિલા પાસેથી રૃ.૬.૫ લાખ પડાવી લીધા હતા. તે સતત મહિલાની પાસે પૈસાની માગણી કરતો હતો. એકટરે પીડિતાને વધુ ૧૮ લાખ રૃપિયાની ખંડણી આપવા દબાણ કર્યું હતું. તેણે મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. આથી તે ગભરાઈ ગઈ હતી.
છેવટે મહિલાઓ હિંમત કરીને પોલીસને બનાવની માહિતી આપી હતી. મલબારહિલ પોલીસે અમિત સામે કલમ ૩૫૪ (અ), ૩૮૪, ૪૧૭, ૫૦૪, ૫૦૬ કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.
હરિયાણાનો અમિત અંતિલ અનેક ટીવી સિરીયલમાં જોવા મળ્યો છે. તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે મોટેભાગે ક્રાઈમ આધારિત સિરિયલોમાં અભિનય કર્યો છે.
આ પ્રકરણમાં અભિનેતાએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. મહિલાએ લગાવેલા આરોપની તપાસ થઈ રહી છે.