GUJARAT

વરસતા વરસાદ વચ્ચે 4 મહિનાની પ્રેગ્નન્સી હોવા છતાં ફરજ નિભાવતા TRB જવાન

કાળજાળ ગરમી અને વરસતા વરસાદ વચ્ચે પણ ૬૧ લાખની વસ્તી ધરાવતા સુરતમાં ટીઆરપી જવાનો પોતાની ફરજ બજાવવાનું ચુકતા નથી ત્યારે તેમની વચ્ચે પર્વત પાટિયા આઈ માતા ચોક પાસે ફરજ બજાવતા મનિષાબેન પરમાર ચાર મહિનાના ગર્ભવતી હોવા છતાં પણ તેમના સાથી ટીઆરબી જવાનોની મદદને કારણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.

લિંબાયતના સુભાષનગર ખાતે રહેતા મનિષાબેન પરમાર વર્ષ ૨૦૧૫ થી ટીઆરબી જવાન તરીકે નોકરી કરી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન તેમની પહેલી પ્રસુતિ થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ વધુ હોવાને કારણે મનીષાબેનને પોતાની પ્રસુતિ ખાનગી હોસ્પિટલમાં કરાવી હતી અને જ્યાં તેમનું બાળક પોણા બે કિલોનું જ આવતા તેને હોસ્પિટલ રાખવાની ફરજ પડી હતી. જેમાં દોઢ લાખનો ખર્ચ થઈ ગયો હતો. તે સમયે તેમના સાથી ટીઆરબી જવાનોએ પણ તેમને મદદ કરી હતી.

આજે તેમનું બાળક સવા બે વર્ષનું થઈ ગયું છે અને હાલ ચાર મહિનાની પ્રેગ્નન્સી હોવા છતાં પણ તેઓ કામ કરી રહ્યા છે. હાલ તેઓએ તેમની ચકાસણી સિવિલ હોસ્પિટલમાં જ કરાવી છે. દાદાગીરી અને ચલાણના મુદ્દે ટીઆરબી જવાનો અને ટ્રાફિક જવાનો ગેરરીતિ આચરતા હોવાના અનેક કિસ્સાઓ સામે એકબીજાને મદદ કરવાની ભાવના દર્શાવતો કિસ્સો પ્રશંસનીય છે.

આ અંગે મનિષાબેને કહ્યું કે, અમે લવ મેરેજ કર્યા છે પરંતુ પરિવારની સહમતિથી કર્યા હતા અને મારો સાસરી પક્ષ ખૂબ જ સમજદાર છે. પતિ હીરા ઘસવાનું કામ કરે છે. પિતાને ત્યાં પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ઘણા સમયથી મેં નોકરી કરી હતી. જેથી લગ્ન બાદ પણ મેં નોકરી ચાલુ રાખી છે. હું બસ કે રિક્ષા દ્વારા મુસાફરી કરું છું.

મારી સાથે પોઇન્ટ પરના ટીઆરબીના ૫ સાથી મિત્રો ખુબ જ સમજતા દર્શાવે છે અને એક બે કલાક બાદ હું આરામ પણ કરી લઉં છું અને બાદમાં ફરીથી ફરજ પણ બજાવી લઉં છું. તેમની સાથે અમારા ટ્રાફિક બ્રિગેડના હેડ સુપરવાઇઝર મોહંમદ ટીનવાલા પણ ખૂબ જ સમજુ છે. મેં પ્રેગ્નેન્સીને કારણે યુનિફોર્મની ટીશર્ટ મોટી સાઈઝમાં આપવા રજૂઆત કરી હતી.જેને માત્ર બે દિવસમાં જ પાસ કરીને મને આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *