ઉત્તરાયણના દિવસે જ ડેમમાં ડૂબી જતાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
માળીયા હાટીના : માળીયા હાટીનાં તાલુકાના થલી ગામના બે સગા ભાઈ બહેન અને બુધેચા ગામના પિતરાઇ ભાઈ સહિતનાઓ ભાખરવડ ડેમ ખાતે ગયા હતા.ત્યાં તરૃણી માછલાઓને મમરા નાખતી હતી. ત્યારે તેણીનો પગ લપસતા તે ડેમમાં ગરક થઈ ગઈ હતી. તેને બચાવવા તેનો ભાઈ અને અન્ય પિતરાઇ ભાઈ ડેમમાં પડયા હતા. જેમાં તરૂણી અને તેના ભાઈ અને અન્ય એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે વક યુવાનનો બચાવ થયો હતો. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળ તાલુકાના થલી ગામમાં રહેતા જીતેન્દ્રગીરી રમેશગીરી મેઘનાથી(ઉ.વ.૧૯) તેના બહેન હેતલબેન રમેશગીરી મેઘનાથી (ઉ.વ.૨૧) ગઈકાલે મકરસંક્રાંતિ નિમિતે માળીયા હાટીનાં તાલુકાના બુધેચા ગામની સીમમાં આવેલી સગાની વાડીએ ગયા હતા. ત્યાંથી દિનેશપરી, જીતેન્દ્રગીરી હેતલબેન અને ચેતનપરી કાળુપરી ગોસ્વામી(ઉ.વ.૨૫) ભાખરવડ ડેમ ખાતે ફરવા ગયા હતા. જ્યાં હેતલબેન માછલાઓને મમરા નાખતા હતા.
ત્યારે અકસ્માતે તેનો પગ લપસતા તેણી ડેમના પાણીમાં ડૂબી ગઈ હતી. આથી દિનેશપરી અને હેતલબેનનો ભાઈ રમેશગીરી, જીતેન્દ્રગીરી અને ચેતનપરી પણ હેતલબેનને બચાવવા પડયા હતા. પરંતુ આ ડેમના ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બુમાબુમ થતા અન્ય લોકો ત્યાં આવી ગયા હતા.
આ અંગે જાણ થતા સાંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ સહિતના આગેવાનો તેમજ પોલીસ પહોંચી ગયા હતા.
બાદમાં તરવૈયાઓએ શોધખોળ દરમ્યાન હેતલબેન રમેશગીરી મેઘનાથી, જીતેન્દ્રગીરી રમેશગીરી મેઘનાથી અને દીનેશપરી કાળુંપરી ગોસ્વામીના મૃતદેહ જ મળ્યા હતા.જ્યારે ચેતનપરીનો બચાવ થયો હતો. આ બનાવથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ અંગે માળીયા હાટીનાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.