GUJARAT

તોફાની બેટિંગથી શુભમન ગિલે ફટકારી બેવડી સદી, બનાવ્યો આ રેકોર્ડ

ભારતના યુવા બેટ્સમેન શુબ્મન ગીલે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં માત્ર ૧૪૯ બોલમાં ૧૯ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથે ૨૦૮ રન ફટકારતા વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ગીલે ૨૩ વર્ષ અને ૧૩૨ દિવસની ઉંમરે વન ડેમાં બેવડી સદી ફટકારીને સૌથી યુવા વયે બેવડી સદી ફટકારવાનો ભારતના જ ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ ઉપરાંત તેણે ફગ્યુસનની ઓવરમાં સળંગ ત્રણ છગ્ગા ફટકારતાં બેવડી સદીની સિદ્ધિ હાંસલ કરનારી હતી. તે પાંચમા ભારતીય તરીકે રેકોર્ડબુકમાં સ્થાન મેળવ્યું હતુ. તે વન ડેમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન ફટકારનારો ભારતીય બેટસમેન બન્યો હતો.

હૈદરાબાદમાં રમાયેલી વન ડેમાં ભારતની ઈનિંગની ૪૯મી ઓવર શરૃ થઈ ત્યારે ગીલ ૧૮૨ રને રમતમાં હતો. તેણે ફર્ગ્યુસનની ઓવરના પહેલા ત્રણ બોલ પર ત્રણ સિક્સર ફટકારતાં બેવડી સદી પૂર્ણ કરી હતી અને જોશભરે ઉજવણી કરી હતી. તેણે સૌથી યુવા વયે વન ડેમાં બેવડી સદીનો કિશનનો એક મહિનો અને ૮ દિવસ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

કિશને ૧૦ ડિસેમ્બરે બાંગ્લાદેશ સામેની વન ડેમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની ઉંમર ૨૪ વર્ષ અને ૧૪૫ દિવસની હતી. ગીલે તેની કારકિર્દીની ત્રીજી વન ડે સદીને પહેલી બેવડી સદીમાં ફેરવી હતી. તેણે કારકિર્દીની ૧૯મી વન ડે ઈનિંગમાં ૧૦૦૦ રન પૂરા કરતાં ભારત તરફથી ફાસ્ટેસ્ટ ૧૦૦૦ વન ડે રનનો કોહલી અને ધવનનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલી-ધવને ૨૪મી વન ડે ઈનિંગમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.

ગીલ વન ડેમાં બેવડી સદી ફટકારનારો તેંડુલકર, સેહવાગ, રોહિત શર્મા, ઈશાન કિશન પછીનો પાંચમો ભારતીય બન્યો હતો. રોહિત ત્રણવાર બેવડી સદી ફટકારી ચૂક્યો છે. ગીલે ધીમે-ધીમે લય મેળવ્યા બાદ ન્યુઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરી હતી. તેણે ૫૦ રન કરવા માટે ૫૨ બોલ લીધા હતા.

જોકે તેણે ૫૧ થી ૧૦૦ રન સુધી પહોંચવા માત્ર ૩૫ બોલ લીધા હતા. જ્યારે ૧૦૧થી ૧૫૦ રન સુધી પણ તે ૩૫ જ બોલમાં પહોંચ્યો હતો. જ્યારે ૧૫૦ થી ૨૦૦ રનની સફર તેણે માત્ર ૨૩ બોલમાં પૂરી કરતાં રેકોર્ડ સર્જ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો આઠમો બેટસમેન બન્યો હતો. જ્યારે વન ડેમાં બેવડી સદીની આ ૧૦મી ઘટના હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *