સુરતમાં ઘરના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ગળુ દબાવીને પત્નિની કરી હત્યા
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બોમ્બે કોલોની ખાતે પતિએ તેની પત્ની નું જ ઘણું દબાવી હત્યા કરી નાખી હતી. ઘરના અંગત ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી. ઘટનાની જાણ રાંદેર પોલીસને થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિએ કરી પત્ની હત્યા
સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. વધુ એક હત્યાની ઘટનાનો કિસ્સો રાંદેર વિસ્તારમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલ બોમ્બે કોલોનીમાં રહેતા પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વસાવા વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો રહેતો હતો.
ત્યારે ગત ૧૩ તારીખના રોજ બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. દરમિયાન પતિ પ્રકાશ વસાવા ઉશ્કેરાઈ તેની પત્ની ઉષા વસાવાનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. ઘટના વિશે રાંદેર પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પતિ પ્રકાશ વસાવાએ ગુસ્સામાં અને આવેશમાં આવીને તેની પત્નીની ગળું દબાવી હત્યા તો કરી દીધી હતી. બાદમાં થોડા સમય બાદ પ્રકાશને ભાન થયું કે તેને બહુ મોટી ભૂલ કરી દીધી છે. જેથી પત્નીની હત્યાને તેણે આત્મહત્યામાં કારણ ફેરવી દીધું હતું.પોલીસે આત્મહત્યા પ્રમાણેનો પ્રાથમિક ગુનો પણ નોંધ્યો હતો.પરંતુ મરનાર મહિલા ઉષા વસાવાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. જેમાં પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સમગ્ર મામલો પોલીસ સમક્ષ બહાર આવ્યો.
પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત આત્મહત્યા નહીં પરંતુ ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ અંગે તેના પતિ પ્રકાશ વસાવાની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અંગત ઝઘડામાં તેના પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.રાંદેર પોલીસે ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી પતિ પ્રકાશ વસાવાની હાલ તો અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.