GUJARAT

વરઘોડો તો આવો જ હોવો જોઈએ, BMW, Audi જેવી 100 લક્ઝુરિયસ કાર શણગારી પણ વરરાજા તો ગાડામાં બેસ્યા

દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માગતા હોય છે. જેના માટે નીતનવા કિમીયા પણ અજમાવતા હોય છે. ત્યારે સુરતમાં લગ્નના પ્રસંગમાં અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. વરરાજા બળદગાડામાં અને તેની આગળ પાછળ 100 જેટલી લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછાથી ઉતરાણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. સાથે જ આ અનોખો શાહીઠાઠ સાથેનો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જેને લઇ શહેરમાં જુદી જુદી ટીમ પર લગ્નનું આયોજન જોવા મળી રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે. આ બધામાં પોતાના લગ્નનો પ્રસંગ અન્ય કરતાં કંઈક અલગ કરવા માટેની થીમ પણ જોવા મળી રહી છે. અને અવનવી થીમ પર થતા લગ્ન નું આયોજન લોકોમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.

સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના લગ્ન ભારે ચર્ચામાં રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોના (વઘાસિયા )દ્વારા તેમના બંને પુત્રના લગ્નનો અનોખો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજાનો વટ પાડી દીધો હોય એમ ૧૦૦ વૈભવી ગાડી સાથે જાન લઈને વરઘોડો મંડપ પહોંચ્યો હતો, પણ વરરાજા ખુદ બળદગાડામાં બેસીને આવ્યો હતો. મોટા વરાછામાં નીકળેલા આ વરઘોડાને નજર સમક્ષ જોનારા સૌકોઇ દંગ રહી ગયા હતા.

મોટા વરાછાના રીવરપેલેસમાં રહેતા પ્રતિક ભરતભાઈ વઘાસીયાના લગ્નપ્રસંગે ગુરુવારે અનોખો વરઘોડો નીકળ્યો હતો. સાંજે ૫ વાગ્યે વરઘોડો રીવર પેલેસથી નીકળી ઉત્રાણ સ્થિત પાર્ટીપ્લોટ પહોંચ્યો હતો. દરમિયાન ૨ કિલોમીટરનું અંતર કાપી લગ્નપ્રસંગે પહોંચેલા આ વરઘોડામાં ૧૦૦ જેટલી લકઝરીયઝ કારનો કાફલો જોવા મળ્યો હતો.

ફેરારીથી માંડીને બીએમડબલ્યુ, જેગુઆર, હમર, ઓડી,લેન્ડ ક્રૂઝર, ડિમ્પ્રી સહિત 100જેટલી મોંઘીદાટ લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો નીકળ્યો હતો.આ કારના કાફલા વચ્ચે વરરાજાની બળદગાડામાં એન્ટ્રી થઇ હતી.

ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત વઘાસીયા ના પુત્ર પ્રતિક વઘાસિયા અને ડોક્ટર આશિક આશિષ વઘાસિયાના લગ્ન યોજાયા હતા. જેમાં બંને પુત્રના લગ્ન એ વરાછામાં વટ પાડી દીધો હતો. અને તેમના આ બંને પુત્રના લગ્નનો વરઘોડો આજે શહેરમાં એક ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

પુત્રના વરઘોડા ને લઇ ભરત વઘાસીયા એ જણાવ્યું હતું કે બંને છોકરાઓને ઈમ્પોર્ટન્ટ કારનો શોખ હતો. જેને લઇ મારા વલસાડ મુંબઈ નવસારી ના મિત્રો જેટલા હતા તે બધાને બોલાવ્યા હતા. અને એક અલગ પ્રકારના લગ્ન કરવાનો શોખ હતો તે પ્રમાણે આ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં જુદી જુદી મોંઘી દાટ લક્ઝરીયસ કાર સાથે વરરાજાનો વરઘોડો લઈને જાન લઈ જવાનું નક્કી કર્યું હતું.

50 લાખથી લઈ પાંચ કરોડ સુધીની કારના કાફલા સાથે મોટા વરાછા થી ઉતરાણ સુધી વરઘોડો કાઢ્યો હતો.

વધુમાં ભરત વઘાસિયાએ જણાવ્યું હતું કે વરરાજા ને બળદ ગાડામાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે બળદ ગાડાની આગળ 50 અને પાછળ 40 થી 50 લક્ઝુરિયસ કાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અમારે સૌરાષ્ટ્રમાં પહેલા લગ્ન થતા હતા ત્યારે વરરાજાની બળદગાડામાં જ જાન જતી હતી. એટલે એ સૌરાષ્ટ્રની પરંપરા અને જાળવી રાખવા મુજબ વરરાજાને બળદગાડામાં બેસાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *