GUJARAT

યુ-ટ્યુબ પર સ્ટ્રોબેરીની ખેતી શીખી ને 3 મહિનામાં લાખોની કમાણી કરતો ગુજરાતી

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના એક ખેડૂત ભરતભાઈ પટેલે ઠંડા પ્રદેશમાં થતા પાકનું ગરમ પ્રદેશમાં વાવેતર કરી માત્ર ત્રણ મહિનામાં 1.5 લાખ જેટલી આવક મેળવી છે. સ્ટ્રોબેરી સાથે સાથે વચ્ચે રહેલી ખાલી જગ્યામાં શિમલા મિર્ચ અને ધાણા પણ વાવ્યાં છે. ભરતભાઈ પટેલે ખેતરમાં આઠ ગુંઠામાં આચ્છાદન અને ડ્રિપ પદ્ધતિ થકી સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બન્યા છે.

યુ-ટ્યૂબ પર સર્ચ કરી છોડ ક્યાંથી મેળવી શકાશે, કેવી રીતે એની ખેતી થઈ શકે, વગેરે માહિતી મેળવી તેમણે સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરી છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે તેમણે આ સ્ટ્રોબેરીના છોડ પુણે-મહાબળેશ્વરથી મગાવ્યા હતા. એક છોડની કિંમત રૂ. 10 અને મગાવવાના ભાડા સહિત રૂ. 14 જેવો ખર્ચ થયો હતો. તેમના ખેતરમાં હાલમાં 3500 છોડ છે.

ભરતભાઈ આ સ્ટ્રોબેરીની ખેતી સાથે શિમલા મિર્ચ અને ધાણાની પણ ખેતી કરી રહ્યા છે, જેમાં શિમલા મિર્ચનું ઉત્પાદન અત્યારસુધીમાં 50 મણ જેટલું થયું છે. આની સાથે વચ્ચે રહેલી જગ્યામાં તેમણે ધાણા પણ વાવ્યા છે. જેથી સ્ટ્રોબેરીની સાથે અન્ય ખેતી થકી પણ તેઓ કમાણી કરી રહ્યા છે. ગરમીની સીઝનમાં સ્ટ્રોબેરી બંધ થતી હોવાથી એ પછી પણ તેમની આવક શિમલા મિર્ચ થકી ચાલુ રહેશે.

સ્ટ્રોબેરીએ ઠંડા પ્રદેશમાં થતી ખેતી છે. ભરતભાઈ પ્રથમ વખત સફળતાપૂર્વક વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. સ્ટ્રોબેરીમાં આચ્છાદન અને ડ્રિપ પદ્ધતિ થકી પ્રયોગ માટે આઠ ગુંઠામાં આ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. આ સ્ટ્રોબેરીની સાથે તેમણે સાથે શિમલા મિર્ચ અને ધાણા પણ વાવ્યાં છે.

અત્યારે રોજની રૂ. 3 હજારથી 3500 સુધીની આવક મેળવી રહ્યા છે. સ્ટ્રોબેરીને તેઓ પોતાના ઘરેથી જ રૂ. 40 પ્રતિ 200 ગ્રામના પેકેટમાં વેચાણ કરે છે, એટલે કે રૂ. 200 પ્રતિ કિલો એનું વેચાણ થાય છે. સીધા વેચાણ થકી તેમને સારો નફો મળી રહ્યો છે.

આવતા વર્ષે ભરતભાઇ વધુ 10,000 છોડ મગાવી આ ખેતીને વિસ્તારવા વિચારી રહ્યા છે. તો આઠ ગુંઠા થકી તેમની દોઢ લાખ જેટલી આવક મેળવી અને 30 માર્ચ સુધી તેમની સ્ટ્રોબેરીના ફળ ચાલુ રહેશે. ગરમીના લીધે ઉત્પાદન ઘટે તોપણ રોજના 2000 લેખે ગણીએ તો બીજા 60 હજાર જેવી આવક થવાની શક્યતા છે.

આમ જોઈએ તો આઠ ગુંઠામાંથી બે લાખથી વધુની આવક, શિમલા મિર્ચ અને ધાણા થકી પણ તેમને સારીએવી આવક મળી શકે એમ છે. સ્ટ્રોબેરીની ખેતી ફાયદાકારક ખેતી છે. હાલમાં તેમની પાસે વેપારી 100 રૂપિયા હોલસેલ ભાવે માગવા આવે છે, પરંતુ તેમની પાસે મર્યાદિત જથ્થો હોવાથી તેઓ જાતે જ તેનું વેચાણ કરી નફો મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *