GUJARAT

ઉત્તરાયણના દિવસે બાઈક પર આગળ બેસેલા માસૂમ બાળકનું ગળું કપાતાં મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મોસમ ચોકડી નજીકથી ટુ-વ્હીલર ઉપર આગળ બેસાડેલા બાળકનું પતંગની દોરીના કારણે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીક વિષ્ણુ વસાવા આઠ વર્ષના પુત્ર ક્રિષને બાઈક ઉપર આગળ બેસાડી તેની બહેનને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપરથી પસાર થતી વખતે પતંગની દોરી અચાનક પુત્રના ગળા ઉપર પડતા ગળું કપાઈ ગયું હતું. લોહીંથી લથપથ ક્રિષને સારવાર માટે ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે માસુમ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

ભરૃચ તાલુકાના અંગારેશ્વર ગામ નજીક પણ એક્ટિવા ચાલક ધરતીબેન કિરણસિંહ રાઠોડ ટુ વ્હીલર લઈને પસાર થતી હતી ત્યારે તેઓની ઉપર પતંગની દોરી પડતા તેને ગળાના ભાગે ઘસારો લાગતા ગળું કપાયું હતું અને રોડ ઉપર પટકાઈ હતી. ધરતીબેનને સારવાર માટે ખસેડાયા હતાં.

વડોદરામાં પતંગદોરી ઘાતક બની, ૨૩ના ગળા કપાયા,સ્ક્રેપના વેપારીનું મોત

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન લોકો પતંગોત્સવમાં વ્યસ્ત હતા ત્યારે પતંગદોરીના કારણે કુલ ૨૮ લોકોનાં ગળા કપાયાની ઘટના બની હતી જેમાંથી એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે બાકી લોકો હાલમાં સારવાર હેઠળ છે.

શનિવારે ઉત્તરાયણને દિવસે રિન્કુ યાદવ નામનો યુવક બાઇક લઇને વડોદરા નજીક નેશનલ હાઇ વે પર દશરથ ગામ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પતંગ દોરીથી તેનું ગળુ કપાતા લોહીના ફૂવારા ઉડયા હતા અને ઘટના સ્થળ પર જ તેનુ મોત થયું હતું. રિન્કુ યાદવ સ્ક્રેપનો વેપારી હતો અને નંદેસરીમાં આવેલા તેના ગોડાઉનથી છાણીમાં આવેલા તેના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.

આ ઉપરાંત, બે દિવસ દરમિયાન કુલ ૨૨ લોકોના પતંગ દોરીથી ગળા કપાયા હતા જે પૈકી ૧૭ લોકો એસએસજી હોસ્પિટલમાં જ્યારે ૫ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લા ૧૫ દિવસ દરમિયાન પતંગ દોરીથી ગળુ કપાઇ જવાની ઘટનામાં કુલ ૩ મોત નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *