માઉન્ટ આબુમાં જ નહીં પણ ગુજરાતના ગામોમાં છવાઈ ફરફની ચાદર
ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. 2 ડીગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવ-થરાદ અને સુઇગામમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. કાતિલ ઠંડી પડવાથી જીરું, વરિયાળી અને રાયડો જેવા પાકોમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ઉતરાયણના દિવસો કાતિલ ઠંડીના કારણે જનજીવન માટે અસહ્ય બની રહ્યા છે. સુસવાટા મારતા પવન અને શિત હવામાને સૌ કોઈને બાનમાં લઈ લીધા હોય એવા દ્રષ્યો સામાન્ય બન્યા છે. બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઇગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેતરોમાં બરફ જામ્યો છે.
બીજી તરફ પશ્વિમ કચ્છના અબડાસા તાલુકાના વડા મથક નલિયામાં દસકની સૌથી વધુ ઠંડી નોંધાયા બાદ આજે સોમવારે પણ ઠંડીનો પારો 2 ડીગ્રીએ અંકિત થતા કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ટાઢુંબોળ મથક બની ગયું છે. તો તેજ ઠંડીના પ્રતાપે અબડાસા તાલુકાના ધ્રુફી, નલિયા સહિતના વિસ્તારોમાં અનેક પડતર વસ્તુઓ પર પડેલો ઠાર જામી જતા બરફની છારી બની ગઈ હતી. લોકોએ વસ્તુ પર જામેલી સફેદ બરફની પરતના ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર હોંશેહોંશે વાઇરલ કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
ઠંડીનો પારો ગગડતાં પશ્વિમ બાદ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ તમામ જીવો ઠંડીથી થરથરી ઉઠ્યા હતા. રાપરના ડાવરી ગામમાં પણ ઉભા પાકમાં બરફની ચાદર છવાઇ જવા પામી હતી. ખેતરોમાં ઉભા પાક અને આસપાસ બરફ જામી હોવાની વાતથી લોકો બરફ આચ્છિત સપાટી જોવા ઉમટી પડ્યા હતા.
ડાવરી અને આજૂબાજૂના ખારસરવાઢ સહિતના ગામોના ખેડૂતો ડેમ પર પીયત કરી રહયા છે. ત્યારે ભારે ઠંડીમાં પણ તાપણાના સહારે ખેતરમાં રાત પસાર કરી ખેતીકામ કર્યું હતું. નોંધનીય છે કે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે કચ્છમાં બે દિવસથી જ કાતિલ ઠંડીનો મોજું ફરી વળ્યું છે.
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને પ્રદેશનો સૌથી ઠંડો વિસ્તાર માઉન્ટ આબુમાં ઠંડી એનો કેહર સતત વર્તાવી રહી છે. સતત નીચા જતા તાપમાનમાં માયનસમાં પારો જઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં માયનસ છ ડીગ્રી અને ગુરુશિખરમા માયનસ 9 ડીગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ થુંઠવાયા હતા. આવા તાપમાનમાં પણ હજારોની સંખ્યામાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. તેના કારણે માઉન્ટ આબુની બધી હોટલો ભરચક થઈ હતી.