જૂનાગઢની કરૂણ ઘટના – રમતા રમતા કૂવામાં પડી જવાથી ભાઈ-બહેનના મોત
જૂનાગઢ : જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગરમાં રહેતા ભાઈ બહેન ઘર સામે આવેલા કુવા કાંઠે રમતા હતા.ત્યારે રમતા રમતા કુવામાં પડી ગયા હતા.માતાએ સંતાનોને બચાવવા કુવામાં ઝંપલાવ્યું હતું.પરંતુ તે પણ પાણી વધુ હોવાથી ડૂબવા લાગ્યા હતા.બાદમાં અન્ય લોકો એકત્ર થઈ જતા તેઓએ મહિલાને બચાવી લીધા હતા.પરંતુ ત્યાં સુધીના બંને માસુમ બાળકોનું ડૂબી જવાથી મોત થયું હતું.
આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સંજયનગરમાં કુંવર તળાવ પાસે રહેતા કવીબેન આલાભાઈ રાડાનો ચાર વર્ષનો પુત્ર અભય આલાભાઈ રાડા અને ત્રણ વર્ષની પુત્રી રાધિકા આલાભાઈ રાડા બપોરે ઘર સામે આવેલા સરકારી કૂવો કે જે કુંવર તળાવ તરીકે ઓળખાય છે.તેની પાસે રમતા હતા.
બંને માસૂમ ભાઈ બહેન રમતા રમતા કૂવા સુધી પહોંચી ગયા હતા અને એકાદ ફૂટ ઊંચા કાંઠાને ઠેકી કુવામાં પડી ગયા હતા.સંતાનોને કૂવામાં પડતા જોઈ માતા કવિબેને પોતાના વ્હાલસોયા પુત્ર અને પુત્રીને બચાવવા માટે કૂવામાં કૂદકો માર્યો હતો.
આ અંગે સી ડીવીઝન પી.એસ.આઈ.જે.એમ.વાળાએ જણાવ્યું હતું કે દસેક ફૂટ પાણી ભર્યું હોવાથી તેઓ પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.આ સમયે ત્યાંથી મહિલા અને પુરૂષ નીકળતા તે જોઈ ગયા હતા. આથી પુરૂષે કૂવામાં પડેલા મહિલાને અને તેના સંતાનોને બચાવવા કૂવામાં કૂદકો માર્યો હતો.
ત્યાં સુધીમાં અન્ય લોકો એકત્ર થઈ જતા કવિબેનને બચાવી લીધા હતા.પરંતુ તેના બંને સંતાનોનું ડૂબી જવાથી મોત થયા હતા.માસુમ ભાઈ બહેનના કૂવામાં ડૂબી જવાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.આ અંગે સી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.