બે દિવસના રીમાન્ડ પુર્ણ થતાં દેવાયત ખવડ સહિત બે આરોપીઓ જેલહવાલે
રાજકોટ: રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક ઉપર ખુની હુમલો કરવાના ગુનામાં પકડાયેલા લોક ગાયક દેવાયત ખવડ અને તેના બે સાગરીતો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયાના રીમાન્ડ પુરા થતા એ.ડીવીઝન પોલીસે કોર્ટમાં રજુ કરતા જેલહવાલે કરવામાં આવ્યા હતાં.
તે પહેલા પોલીસે દેવાયત ખવડ અને તેના ડ્રાયવર હરેશની મામલતદાર રૂબરૂ આ બનાવને નજરે જોનાર એક સાહેદ પાસેથી ઓળખપરેડ કરાવી હતી. જેમાં સાહેદે બન્ને આરોપીઓને ઓળખી બતાવ્યાનું જાણવા મળ્યું છે.
ફરીયાદી મયુરસિંહે ફરીયાદમાં દેવાયત ખવડનું નામ આપ્યું હતું. બાકીના બે આરોપીઓ અજાણ્યા હોવાનું લખાવ્યું હતું. જેથી વાસ્તવમાં ફરીયાદી મયુરસિંહ પાસેથી પણ પોલીસે ઓળખપરેડ કરાવવાની હતી. પરંતુ પોલીસનું કહેવું છે કે, હાલ ફરીયાદી મયુરસિંહ પથારીવશ હોવાથી તેની પાસેથી ઓળખપરેડ કરાવી શકાય નથી.
તપાસ કરતી પોલીસે વધુમાં જણાવ્યું કે, આ બનાવમાં કાવતરૂ રચવામાં આવ્યું હતું કે કેમ, તે મુદ્દે હાલ તપાસ ચાલુ છે. પુરાવા મળશે તો કોર્ટમાં કાવતરાની કલમ 120 (બી)નો ઉમેરો કરવા રીપોર્ટ કરાશે.
આ કેસમાં દેવાયત ખવડે મુળી પંથકમાં આવેલી પોતાની વાડીએ જ આશરો લીધાનું અને અન્ય કોઈ આરોપીઓની સંડોવણી નહી હોવાનો કક્કો ઘુટયો હતો. એટલું જ નહી તેણે પુર્વયોજીત કાવતરૂ રચી હુમલો નહી કર્યાનું પણ પોલીસ સમક્ષ રટણ ચાલુ રાખ્યું હતું.