કેનેડામાં શીખ મહિલાની ઘરમાં ઘૂસીને ચાકુના ઘા મારી કરી ક્રૂર હત્યા
કેનેડામાં ભારતીયો પર હુમલાનો સિલસિલો યથાવત છે. કેનેડાના સર્રેમાં એક શીખ મહિલાની તેના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. મહિલા પર અનેક વાર ચાકુના ઘા કરવામાં આવ્યા છે. આ કેસમાં મહિલાના પતિની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો.
કેનેડિયન પોલીસનું કહેવું છે કે, બુધવારની રાત્રે 40 વર્ષીય હરપ્રીત કૌરને સર્રેમાં અનેક ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)નું કહેવું છે કે, પોલીસને બુધવારે રાત્રે 9:30 વાગ્યે ચાકુથી હુમલાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાની હાલત અત્યંત ગંભીર હતી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાના પતિની હત્યાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ બાદમાં મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે અપીલ કરી છે કે, જેની પાસે પણ હરપ્રીત કૌર સંબંધિત કોઈ માહિતી છે. તેમને પોલીસ સાથે શેર કરો.
કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી ટિમોથી પીરોટીએ કહ્યું કે, અમારી તપાસ ચાલુ છે. આ ઘટનાઓની અસર માત્ર પીડિત પરિવાર પર જ નહીં પરંતુ સમગ્ર સમુદાય પર જોવા મળે છે.
આ અગાઉ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં 21 વર્ષીય કેનેડિયન-શીખ મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પીડિતાની ઓળખ બ્રેમ્પટનની પવનપ્રીત કૌર તરીકે થઈ હતી. ઓન્ટારિયો પ્રાંતના મિસિસૌગા શહેરમાં શનિવારે રાત્રે એક અજાણ્યા હુમલાખોરે ગેસ સ્ટેશનની બહાર ગોળી મારી હતી. કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં એક હાઈસ્કૂલના પાર્કિંગમાં ભારતીય મૂળની કિશોર મહેકપ્રીત સેઠીને અન્ય એક કિશોરે છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ આ ઘટના બની હતી.