નવસારીમાં CAને ઓનલાઈન 700 રૂપિયાના બુટ મંગાવવા ભારે પડ્યા
નવસારીમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને વિચારતા કરી દીધા છે. ભેજાબાજે બીજા કોઇને નહીં પણ CAને 23 લાખનો ચૂનો ચોપડ્યો છે. આમાં નવાઇની વાત એ છે કે, CAએ 700 રૂપિયામાં ઓનલાઇન બુટ મંગાવ્યા હતા. જેમાં તેને iphone 12 pro max ઇનામમાં લાગ્યો તેવી લોભામણી લાલચ આપીને ભેજાબાજે ટુકડે ટુકડે 23 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, છેલ્લે પણ CAને કંઇ ન મળતા માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો હતો. અંતે પોલીસ સમક્ષ છેલ્લા 6 મહિનામાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નવસારી શહેરમાં રહેતો ધ્રુવીલ મહેશભાઈ ચોડવડિયાએ C.Aનો અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપનીમાં સુરત ખાતે નોકરી કરે છે. તેને 28, મે 2022ના રોજ ગૌરવ મિશ્રા નામના વ્યક્તિએ ફોન કરી ‘માય ઈન્ડિયા હબ ડોટ કોમ’. નામથી કંપનીમાંથી બોલું છું તેવું કહીને ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં તેમની કંપની જાહેરાત કરવા માંગે છે અને કંપનીમાંથી કોઈ પ્રોડક્ટ ખરીદી કરવાનો આગ્રહ કરી તેમાંથી લકી ડ્રો દ્વારા ઇનામ જીતવાની તક હોવાની લલચામણી વાત કરી હતી. જેથી ધ્રુવીલે 700 રૂપિયાના બુટ મંગાવ્યા હતા.
ત્યારબાદ કંપનીમાંથી અન્ય નંબર પરથી ફોન પર જાણ કરવામાં આવી હતી કે, તેમને iphone 12 pro max લકી ડ્રો દ્વારા આપવામાં આવશે. જે માટે T.T.S,ચાર્જ, ઇન્સ્યોરન્સ ચાર્જ, NOC ડિફરન્સની રકમનો ચાર્જ તેમને કંપનીમાં જમા કરાવવો પડશે. તેવું કહીને અલગ અલગ મોબાઈલ નંબર પર અને બેન્ક એકાઉન્ટમાં 23 લાખ 12 હજાર 962 જેટલી અધધ કહી શકાય એવી રકમ ધ્રુવીલ મિત્રની મદદથી 6 મહિનામાં ભરી હતી. જોકે બાદમાં તેને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ધ્રુવીલે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, આ જે 23 લાખની રકમ છે તે તેણે મિત્ર વિવેક પોપટભાઈ માવાણી સાથે મળીને ભરી હતી. મહત્વનું છે કે, બંને ભણેલા યુવાનો હોવા છતાં 6 મહિના સુધી ઠગબાજો ટુકડે ટુકડે રકમ ઉસેટતા રહ્યા છતાં યુવાનો પણ કંઇપણ સમજી ના શક્યા તે બાબત શંકા ઉપજાવનારી છે. આજના ડિજિટલ યુગમાં માત્ર 700ના બુટની સામે આશરે 1 લાખની કિંમતનો iphone મેળવવા માટે કોઈ યુવાન અજાણ્યા ઠગોની વાતમાં આવીને કઈ રીતે 23 લાખથી વધુ રકમ જમા કરાવે તે પણ નવાઈ પમાડે તેવી વાત છે. ત્યારે નવસારી ટાઉન પોલીસે આ સમગ્ર મામલે હાલ તો આઈ.ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
નવસારીમાં બનેલી આ ઘટના આજના યુવાનો માટે ચેતવા જેવી છે. ઓનલાઇન શોપિંગ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ફેક વેબસાઈટને ઓળખીને કઈ રીતે ફિશિંગમાં ન ફસાવવું તેની પણ જાણકારી મેળવી હાલ સમયની માંગ છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે અનેક વખત જાગૃતિ અભિયાન યોજવા છતાં પણ મોટાભાગના યુવાનો ફિશિંગની જાળમાં ફસાઈને આર્થિક નુકસાની કરી બેસે છે.