મોલમાં ફિલ્મ પ્રમોશન ટાણે જ જાહેરમાં બે અભિનેત્રીઓની જાતીય સતામણી
મુંબઈ : કેરળના કોઝીકોડેમાં એક મોલમાં એક મલયાલમ ફિલ્મનાં પ્રમોશન ટાણે બે અભિનેત્રીઓની ટોળાં દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી.
બંને અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પર પોતાના આ ડરામણા અનુભવને સંતાપ સાથે વર્ણવ્યા છે. અભિનેત્રીઓની નજીક આવવા માટે આશરે ૨૦૦થી ૩૦૦ લોકોનાં ટોળાંએ પડાપડી કરી મુકી હતી અને તેમાંથી કેટલાકે અભિનેત્રીઓને અણછાજતા સ્પર્શ કર્યા હતા. બેમાંથી એક અભિનેત્રીએ તેની સાથે ગેરવર્તાવ કરી રહેલા લોકોનો પ્રતિકાર પણ કર્યો હતો.
આ અભિનેત્રીએ કહ્યું હતું કે પોતે કોઝીકોડેને ચાહે છે પરંતુ ગઈકાલ રાતનો અનુભવ ભારે ધૃણાસ્પદ હતો. અમે કેટલીય જગ્યાએ જઈએ છીએ પરંતુ આવો માઠો અનુભવ ક્યાંય નથી થયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ જ મોલમાં થોડા સમય પહેલાં એક ફિલ્મ પ્રમોશન દરમિયાન ભીડ બેકાબૂ બની જતાં પ્રમોશન ઈવેન્ટ અધવચ્ચે જ અટકાવવી પડી હતી.
કોઝીકોડે પોલીસે બનાવની નોંધ લઈ તપાસ ચાલુ કરી છે અને વાયરલ વીડિયો તથા સીસી કેમેરા ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.