સલમાન ખાનને ઠાર મારવા 4 લાખની ખાસ રાઈફલ મગાવી હોવાની લોરેન્સની કબૂલાત
મુંબઈ : બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને મારવા માટે ૨૦૧૮માં પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હતી અને તેના માટે ચાર લાખ રુપિયાની ખાસ રાઈફલ પણ મગાવી હોવાની કબૂલાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કરી છે.
લોરેન્સ બિશ્નોઈ પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્ય કેસમાં હાલ પંજાબ પોલીસના કબજામાં છે. તે પહેલાં દિલ્હી પોલીસે પણ તેની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન લોરેન્સે ૨૦૧૮માં સલમાન ખાનની હત્યાના કાવતરાંની વિગતો આપી હોવાનું કહેવાય છે.
સલમાન ખાને જોધપુરમાં હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચિંકારાનો શિકાર કર્યો હતો. તે કેસમાં સલમાન ની ધરપકડ થઈ હતી અને તેને પાંચ વર્ષની કેદની સજા પણ સંભળાવાઈ હતી. જોકે, બાદમાં સલમાનને જામીન પર મુક્તિ મળી ગઈ હતી.
રાજસ્થાનના સ્થાનિક બિશ્નોઈ સમુદાય માટે ચિંકારા એક પવિત્ર પાણી ગણાય છે. તેના શિકારથી બિશ્નોઈ સમુદાય સલમાન ખાન સામે છંછેડાયો હતો. તે પછી લોરેન્સે સલમાનની હત્યાનું કાવતરું ઘડયું હતું.
લોરેન્સની કબૂલાત અનુસાર તેણે પોતાના સાગરિત સંપત નહેરાને સલમાનને મારવા મોકલ્યો હતો. સંપત સાદી પિસ્તોલ લઈને ગયો હતો. તેણે સલમાનના ઘરની રેકી પણ કરી હતી. જોકે, પિસ્તોલથી સલમાનને દૂરથી વિંધી શકાય તેમ નહીં જણાતાં તે પાછો ફર્યો હતો.
તે પછી લોરેન્સે લોન્ગ રેન્જની ખાસ રાઈફલ મગાવી હતી. આ માટે તેણે દિનેશ ડાગર નામના શખ્સને ઓર્ડર આપ્યો હતો. ડાગરના સાગરિત અનિલ પાંડેને આ રાઈફલ માટે ચાર લાખ રુપિયા પણ ચુકવી દેવામાં આવ્યા હતા. જોકે, અન્ય એક કાર્યવાહીમાં પોલીસે ડાગર પાસેથી આ રાઈફલ જપ્ત કરી લીધી હતી.
તાજેતરમાં પણ સલમાન ખાન તથા તેના પિતા સલીમ ખાનની હત્યાની ધમકી અપાઈ હતી. સલીમ ખાનને બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ પર આ ધમકીનો પત્ર મળ્યો હતો. તે પછી પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધીહતી. પોલીસે તેને તાજેતરમાં ઈદ નિમિત્તે પણ તેના ચાહકોનું અભિવાદન ઝીલવા તેના ઘરની ગેલેરીમાં આવવાની મનાઈ ફરમાવી દીધી હતી.
લોરેન્સે પોલીસને એમ પણ કહ્યું હોવાનું માનવામાં આવે છે કે તેમનો સમુદાય કે તે પોતે પણ સલમાનને ક્યારેય માફી નહીં આપે. જોકે, બાદમાં તેણે એમ પણ કહ્યુ ંહતું કે સલમાન અને સલીમ ખાન કદાચ જાહેરમાં માફી માગે તો આ બાબતે ફેરવિચારણા થઈ શકે છે.