અભિનેત્રી જેક્લિને સુકેસ સાથે લગ્નની જીદ પકડતાં સલમાન ખાને સાથે છોડ્યો હતો
બોલીવૂડ ડાન્સર નોરા ફતેહી સુકેશ ચન્દ્રશેખરની જાળમાં ફસાતાં આબાદ બચી ગઈ હતી પરંતુ શ્રીલંકન મૂળની અભિનેત્રી સુકેશના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તે તેની સાથે લગ્ન કરી લેવાનાં સપનાં સેવવા માંડી હતી. વારંવાર ચેતવણી પછી પણ જેક્લિને સુકેશ સાથે સંબંધો નહીં તોડતાં આખરે તેના ગોડફાધર જેવા સલમાન ખાને નાછૂટકે તેને પોતાના કેમ્પમાંથી તગેડી મુકી હોવાના ઘટસ્ફોટ સલમાનનાં નજીકનાં વર્તુળોએ કર્યો છે.
સુકેશ જેક્લિન પર કરોડોની ભેટસોગાદની વર્ષા કરી રહ્યો હતો. તેનાથી જેક્લિન બહુ ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. તેણે ફિલ્મ ઉદ્યોગમાં એકથી વધુ લોકોને કહ્યું હતું કે મને મારાં સપનાંનો રાજકુમાર મળી ગયો છે અને તે તેની સાથે લગ્ન કરી લેવા મક્કમ છે.
તે વખતે ફિલ્મ ઉદ્યોગમાંથી અનેક લોકોએ જેક્લિનને ચેતવણી આપી હતી કે સુકેશનું બેકગ્રાઉન્ડ બહુ શંકાસ્પદ જણાય છે અને તેણે આ સંબંધમાં બહુ સાચવી સાચવીને આગળ વધવું જોઈે.
સલમાન ખાને કિકમાં જેક્લિનને તક આપી તે પછી જ તેની કારકિર્દીને બહુ મોટો પુશ મળ્યો હતો. સલમાન ખાને પણ જેક્લિનને ચેતવી હતી કે સુકેશ સાથે સંબંધ વધારવા જતાં તે ક્યાંક કાનૂની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. પરંતુ, જેક્લિન સુકેશના પ્રેમમાં એટલી આંધળી બની ગઈ હતી કે તેણે પોતાના મેન્ટર સલમાનની વાત પણ સાંભળી ન હતી.
એ પછી સલમાને નાછૂટકે જેક્લિનને પોતાના કેમ્પમાંથી આઉટ કરી દીધી હતી. સલમાન ન હતો ઈચ્છતો કે જેેક્લિનના કોઈ કાનૂની પ્રશ્નના કારણે તેના કોઈ પ્રોજેક્ટ પર કે તેની પોતાની કોઈ ઈમેજ પર અસર થાય.
સલમાનની આશંકા સાચી પડી છે અને અત્યારે જેક્લિન તેની સલાહનો અમલ નહીં કરવા બદલ પસ્તાઈ રહી છે. જોકે, હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. સુકેશ કેસના ઘટસ્ફોટો પછી જેક્લિનની કારકિર્દી પર થોડા સમય માટે પ્રશ્નાર્થ સર્જાઈ જાય તેવી શક્યતા છે.