GUJARAT

એક શ્રદ્ધાળુએ ગુરૂદ્વારાને આપ્યું 5 કરોડના નકલી ઘરેણાંનું દાન પછી………….

બિહારના પટના સાહિબ ગુરૂદ્વારા ખાતે એક શ્રદ્ધાળુ દ્વારા આપવામાં આવેલા દાનની ભારે ચર્ચા જામી છે. શ્રદ્ધાળુએ ભેટમાં આપેલી 5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી ખૂબ જ કિંમતી હીરાજડિત સોના વડે બનાવેલી વસ્તુઓ અસલી છે કે નકલી તે બાબતે ચર્ચા જગાવી છે.

હકીકતે પંજાબના કરતારપુર નિવાસી ડો. ગુરવિંદર સિંહ સામરાએ ગત તા. 01 જાન્યુઆરી 2022ના રોજ ગુરૂદ્વારા સાહિબને ભેટ આપી હતી. તેમાં આશરે 5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા હીરાજડિત સોનાના હાર, સોનાની કીરપાણ, સોનાના નાના પલંગ અને કલગીનો સમાવેશ થતો હતો.

વિવાદ બાદ તખ્ત શ્રી હરમંદિર પટના સાહિબે ‘પંજ પ્યારા’ઓની (5 લોકોની કમિટિ) બેઠક બોલાવી હતી જેમાં વર્તમાન જથ્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહર એ મસ્કીનને ધાર્મિક ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. સાથે જ આ પ્રકારનું દાન આપનારા ડો. સામરાને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબની ગરિમાને ઠેસ પહોંચાડવાના અને મનાઈ છતાં પણ મીડિયા સામે નિવેદન આપવાના ગુના બદલ સજા ફરમાવવામાં આવી છે.

કાર્યવાહીમાં દાન આપનારા ડો. સામરાને એક અખંડ પાઠ કરવાની, 1,100નો ખડા પ્રસાદ ધરવાની અને 3 દિવસ સુધી વાસણ અને ચંપલો કાઢવામાં આવે છે ત્યાં સેવા આપવા હુકમ કરવામાં આવ્યો છે.

શીખ સંગતોને ભેટ મામલે શંકા જાગી હોવાથી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના વિરોધીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. દાન આપનારા ડો. સામરાએ જથ્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહર એ મસ્કીનના મોનિટરિંગમાં સામાન નિર્માણ પામ્યો હોવાની માહિતી આપી હતી. બાદમાં ‘પંજ પ્યારો’એ દાન આપનારા, જથ્થેદાર વગેરે સાથે આશરે 8-9 કલાક સુધી મેરેથોન બેઠક યોજી હતી અને મોડી રાતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *