લક્ઝુરિયસ કારમાં ભીખ માંગવા જતી ‘રોયલ’ ભિખારીની સંપત્તિનો આ રીતે ફૂટ્યો ભાંડો
અબુ ધાબી : ભિખારી પાસેથી રૂપિયા ૫ લાખ જેટલી રકમ મળી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પરંતુ, એક મહિલા પાસેથી લકઝરી કાર સહિત મોટી માત્રામાં રોકડા મળી આવ્યા છે. આ મામલો દુબઈના અબુ ધાબીનો છે. ઉલ્લેખનીય છે કે, અબુ ધાબી પોલીસ છેલ્લા કેટલાક સમયથી ભીખારીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અબુ ધાબી પોલીસે રસ્તા પર ભીખ માંગતી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી મોટી માત્રામાં રોકડ તેમજ લકઝરી કાર મળી આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી લેવામાં આવેલી મહિલા અલગ-અલગ સ્થળોએ ભીખ માંગતી હતી અને ત્યારબાદ પોતાની લક્ઝરી કારમાં ઘરે જતી હતી. અબુ ધાબીમાં રહેતા એક વ્યકિતએ મહિલાની મદદ માટે તેને રોકડા આપ્યા હતાં.
ત્યારબાદ, તેને મહિલા પર શંકા જતા તેણે તેનો પીછો કર્યો હતો. જે બાદ મહિલા પાસે અખૂટ ધન ભંડાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે મહિલાના ઘરની તપાસ કરતા તેમને કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
મહિલાને દૂર ભીખ માંગવા જવાનું હોય ત્યારે તે ગાડીનો ઉપયોગ કરતી હતી. બાકી સમયે તે ગાડીને પાર્કિંગમાં ઉભી રાખીને ભીખ માંગવા જતી હતી.
મહિલા વિરૂદ્ધ એકશન લઈને તેની પાસેથી મળી આવેલ કરોડોની રોકડ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અબુ ધાબી પોલીસે ૧૫૮ ભીખારીઓની ધરપકડ કરી છે.