અમદાવાદના પોશ વિસ્તાતરમાં NIDના નિવૃત્ત સેક્રેટરીનો 83 વર્ષની ઉંમરે આપઘાત
સેટેલાઈટના કનકકલા એપાર્ટમેન્ટમાં રહેતાં એનઆઈડીના નિવૃત્ત સેક્રેટરીએ ૮૩ વર્ષની ઉમંરે નદીમાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસને મળી આવેલા સ્યુસાઈડ નોટમાં મૃતકે હું કોઈની પર બોજ બનવા માંગતો નથી તેવું લખાણ લખ્યું હતું.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દંપતીના સંતાનો અમેરીકામાં હોવાનું તેઓ એકલવાયું જીવન જીવતા હતા. સરદાર બ્રિજ નીચે સોમનાથ ભુદરના આરા પાસેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યે નદીમાંથી વૃદ્ધની ડેડબોડી મળી આવી હતી.
પોલીસને મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં તેઓએ લખ્યું હતું કે, હું કોઈની પર બોજ બનવા માંગતો નથી, માટે મારા જીવનનો અંત આણું છું. પોલીસને સ્યુસાઈડ નોટના લખાણ અને તપાસ દરમિયાન મૃતકનું નામ પ્રેમપ્રકાશ મેહરસિંગ ભલ્લા (ઉં,૮૩) હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક સેટેલાઈટ સીમાહોલ સામે આવેલા કનકકલા એપાર્ટમેન્ટમાં રહેતા હોવાની વિગતો આધારે પોલીસે પરિવારને બનાવની જાણ કરી હતી. તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતક પ્રેમપ્રકાશ મેહરસિંગ ભલ્લા (પી.એમ.ભલ્લા) એનઆઈડીમાં સેક્રેટરીની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા.મૃતક વૃદ્ધ પત્ની સાથે એકલવાયું જીવન જીવતા હતા.