માત્ર 11 વર્ષની ઉંમરે બાળકીએ 4 રામકથા કરી રામમંદિર માટે 50 લાખની રાશિ એકત્રિત કરી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષની નાની દીકરીએ સુરતમાં 4 રામકથા કરીને 50 લાખ રૂપિયા નિધિ એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે. આ સાથે તેણે લોકોને અપીલ કરી છે.
ભાવિકાએ અત્યાર સુધી 4થી વધુ રામકથા કરીને 50 લાખ જેટલો નિધિ એકત્ર કરી છે અને તેને રામંદિર નિધિ કોષમાં આપ્યા છે. જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે, ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે. દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે, આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હોય અને આ કથા સાંભળ્યા બાદ તેઓ ભવ્ય રામમંદિર બનાવવા માટે આ કથામાં દાન આપી રહ્યા છે.
રાજેશ મહેશ્વરી (ભાવિકાના પિતા) એ જણાવ્યું હતું કે, લોકો પોત પોતાની રીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી આટલી નાની ઉંમરમાં રામકથા કરવાનો વિચાર્યું હતું. જેથી તે પણ ભવ્ય રામમંદિર બનાવવા માટે પોતાનું યોગદાન આપી શકે આ મારી માટે ગર્વની વાત છે. ધોરણ 6માં અભ્યાસ કરતી ભાવિકા મોબાઈલ એડિકશન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર પણ છે.
11 વર્ષીય બાળ વ્યાસ ભાવિકાએ શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, રામમંદિર ભારતનું રાષ્ટ્રમંદિર છે. ભારતનો આત્મા ભગવાન રામમાં વસે છે. તેમણે જણાવ્યું કે આજે જ્યારે સામાજિક માળખું વિખેરાય રહ્યું છે તેવી સ્થિતિમાં રામાયણ જ આપણને યોગ્ય માર્ગ ચીંધી શકે છે. જેના પગલે આજે રામાયણના સંદેશની આપણને તાતી જરૂર છે. રામાયણના 7 કાંડ મનુષ્યના જીવનની પ્રગતિની સાત સીડી છે. જેનું વાંચન-મનન કરીને માનવી એક સારૂં જીવન વીતાવી શકે છે.
આજે જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઇને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે તેના પગલે ગુનાખોરી વધી રહી છે. રામાયણ કેવળ ધાર્મિક ગ્રંથ જ નથી બલ્કે તે સમાજશાંતિ અને નીતિશાંતિનું મહાકાવ્ય છે. દુનિયાની આ પહેલી કહાણી છે જેના બધાં જ પાત્રોએ સ્વંય પોતાના જીવનચરિત્રથી કેવી રીતે જીવન જીવવું જોઇએ તેનું પ્રેકિટલ નોલેજ દુનિયાને આપ્યું.