માતાના અંતિમ સંસ્કારમાં રાખી સાવંત ધ્રુસકે ધ્રુસકે રડી પડી, જુઓ ભાવિક કરતી તસવીરો
28 જાન્યુઆરીના રોજ અભિનેત્રી રાખી સાવંતની માતાનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી મુંબઈની હોસ્પિટલમાં એડમિટ હતાં જ્યાં કેન્સર તથા બ્રેન ટ્યૂમરની સારવાર લઈ રહ્યા હતાં. રાખી તથા તેના મિત્રોએ જયાના અવસાનની પુષ્ટિ કરી હતી. રાખી અંતિમ સમયે માતા સાથે જ હતી. હોસ્પિટલની બહાર રાખી પોતાની માતાનો પાર્થિવદેહ લઈ જતી જોવા મળી હતી. રાખી માતાના અવસાનથી ઘણી જ દુઃખી હતી.
રાખી સાંવતની માતા જયાના અંતિમ સંસ્કાર મુંબઈના ઓશીવારા સ્થિત ક્રિશ્ચિયન કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ, બોલિવૂડ ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન આવ્યાં હતાં. રાખી સાવંતની સાથે ભાઈ રાકેશ તથા પતિ આદિલ હતો. રાખી સાવંત અંતિમ સંસ્કારમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
અંતિમ સંસ્કારમાં રાખી સાવંત ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને તે પોતાની જાતને સંભાળી શકી નહોતી. આ સમયે રાખીને પતિ આદિલે સાંત્વના આપી હતી અને તેને સંભાળી હતી.
રાખીએ માતાના અંતિમ સમયનો વીડિયો શૅર કર્યો હતો. વીડિયો શૅર કરીને તેણે કહ્યું હતું, ‘આજે મારી માતાનો હાથ મારા માથા પરથી ઊઠી ગયો. હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ જ બચ્યું નથી. હું તમને ઘણો જ પ્રેમ કરું છું. તમારા વગર મારું કોઈ નથી. હવે મારું કોણ સાંભળશે, મને ગળે કોણે લગાવશે, હવે હું શું કરું, ક્યાં જાઉં, આઇ મિસ યુ આઇ.’
રાખી સાવંતે 9 જાન્યુઆરીના રોજ રડતાં રડતાં એક લાઇવ ચેટ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેની માતાને બ્રેન ટ્યૂમર તથા કેન્સર છે. આ જ કારણે તે હોસ્પિટલમાં એડમિટ છે. તેણે ચાહકોને માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.
એપ્રિલ, 2021ના રોજ રાખી માતાએ કેન્સરની સર્જરી કરાવી હતી. આ દરમિયાન રાખીની મદદ માટે સલમાન ખાન તથા સોહેલ ખાન આગળ આવ્યા હતા. રાખીએ પછી બંનેનો આભાર માન્યો હતો.
રાખીએ થોડા દિવસ પહેલાં જ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે માતાની સારવાર માટે મુકેશ અંબાણીએ પણ મદદ કરી હતી. તેણે મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ફી ઓછી કરાવી આપી હતી.
રાખીની માતાના અવસાન બાદ જેકી શ્રોફ, માન્યતા દત્ત, નિશા રાવલ, રિદ્ધિમા પંડિત, અલી ગોની, રશ્મિ દેસાઈ સહિતના અનેક સેલેબ્સે સો.મીડિયામાં સંવેદના વ્યક્ત કરી હતી.
રાખી સાવંત હાલમાં જ લગ્નને કારણે ચર્ચામાં આવી હતી. તેણે આદિલ ખાન સાથે નિકાહ કરીને ધર્મ પરિવર્તન કર્યું છે. તેણે પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. રાખીએ સાત મહિના પહેલાં નિકાહ કર્યા હતા.