લાખો ચાહકોને હસાવનારા જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન
દિલ્હી : દેશના મશહૂર સ્ટેન્ડ અપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આખરે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગઈ તા. ૧૦મીએ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતા. ત્યારથી તેઓ સતત કોમામાં અને મોટાભાગે વેન્ટિલેટર સપોર્ટ પર જ રહ્યા હતા. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે તેવા સમાચારો સતત આવી રહ્યા હતા પરંતુ તેમને બચાવવાના તબીબોના તમામ પ્રયાસ નિષ્ફળ જતાં આખરે તેમનું નિધન થયું હતું.
રાજુ શ્રીવાસ્તવના અંતમિ સંસ્કાર ગુરુવારે દિલ્હીમાં યોજાશે. તેમના પરિવારમાં પત્ની શિખા ઉપરાંત પુત્રી અંતરા તથા પુત્ર આયુષ્યમાનનો સમાવેશ થાય છે.
રાજુ શ્રીવાસ્તવ દિલ્હીમાં એક જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમય દરમિયાન તેમના મગજને મળતો ઓક્સિજનનો પુરવઠો રુંધાયો હતો. આથી તેમને કાયમી નુકસાન થઈ ગયું હતું અને તેઓ કોમામાં જતા રહ્યા હતા. દેખના લાખો ચાહકો તેમનાં પુન: સ્વાસ્થય માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
રાજુના પરિવારજનોના જણાવ્યા અનુસાર આજે સવારે તેમનું બ્લડ પ્રેશર એકદમ જ ડ્રોપ થઈ ગયું હતું. તેમને સીપીઆર ટેકનિકથી ઉગારવા પ્રયાસ કરાયો હતો. શરુઆતમાં તેમણે આ સારવારનો પ્રતિસાદ પણ આપ્યો હતો પરંતુ બાદમાં દગો દઈ દીધો હતો.
પરિવારજનોએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયતમાં ખરેખર સુધારો થઈ રહ્યો હતો. તબીબો આશા બંધાવતા હતા કે બે-ત્રણ દિવસ પછી કદાચ વેન્ટિલેટર પણ હટાવી લેશું. તેમને અપાતી દવાઓનું પ્રમાણ પણ ઘટાડી દેવામાં આવ્યું હતું.
રાજુ શ્રીવાસ્તવનાં નિધનના સમાચાર ફેલાતાં દેશવિદેશના તેમના લાખો ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોએ તેમના ટીવી શોનાં પરફોર્મન્સ ઉપરાંત હિંદી ફિલ્મોની કેટલીક ભૂમિકાઓની યાદ તાજી કરી હતી. સોશિયલ મીડિયા પર દિવસદરમિયાન તેમને શ્રદ્ધાંજલિના મેસેજીસનો ધોધ વહેતો રહ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવ થોડા સમય માટે રાજકારણમાં પણ સક્રિય થયા હતા અને તેઓ ભાજપના સભ્ય હતા. આજે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય નેતાોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ૨૦૧૪માં તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડયા હતા.
કોરોનામાં દત્તક લીધેલી બે બહેનોનું હૈયાફાટ આક્રંદ
રાજુ શ્રીવાસ્તવ બહુ સંવેદનશીલ ઈન્સાન હતા. કોરોના કાળમાં કાનપુરની બે સગી બહેનો ખુશી અને પરીએ તેમના માતા પિતાને ગુમાવી દીધાં હતાં. તે પછી રાજુ શ્રીવાસ્તવે આ બંને છોકરીઓની તમામ જવાબદારીઓ ઉપાડી હતી. ખુશી અને પરી અવારનવાર મુંબઈ જઈને રાજુના પરિવાર સાથે રહેતી હતી અને તેમનો હિસ્સો બની ગઈ હતી. આજે રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર આવતાં બંને છોકરીઓએ અમે બીજી વાર અનાથ બન્યાં છીએ એમ કહી હૈયાફાટ આક્રંદ કર્યું હતું.