સંઘર્ષના દિવસોમાં રાજુ શ્રીવાસ્વે રીક્ષા પણ ચલાવી ને પછી કરોડોના માલિક બન્યા
દિલ્હી : દેશના મશહૂર સ્ટેન્ડ અપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આખરે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગઈ તા. ૧૦મીએ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતા. ત્યારથી તેઓ સતત કોમામાં અને મોટાભાગે વેન્ટિલેટર સપોર્ટ પર જ રહ્યા હતા. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે તેવા સમાચારો સતત આવી રહ્યા હતા પરંતુ તેમને બચાવવાના તબીબોના તમામ પ્રયાસ નિષ્ફળ જતાં આખરે તેમનું નિધન થયું હતું.
રાજુ શ્રીવાસ્તવના અંતમિ સંસ્કાર ગુરુવારે દિલ્હીમાં યોજાશે. તેમના પરિવારમાં પત્ની શિખા ઉપરાંત પુત્રી અંતરા તથા પુત્ર આયુષ્યમાનનો સમાવેશ થાય છે.
સામાન્ય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવને નાનપણથી જ મિમિક્રી કરવાનો શોખ હતો. કોઈએ કહ્યું કે તારી કલાની સાચી કદર મુંબઈમાં થશે એટલે ઝાઝો વિચાર કર્યા વિના મુંબઈ પહોંચી ગયા હતા. અહીં સાયન વિસ્તારમાં તેમણે ભારે સંઘર્ષ સાથે દિવસો વિતાવ્યા હતા.
ક્યારેક રીક્ષા ચલાવીને પણ રોજનો ખર્ચો કાઢ્યો હતો. ફિલ્મોમાાં સાવ એકસ્ટ્રા કલાકાર જેવા નાના રોલ પણ કર્યા હતા. ક્યારેક તેમને અમિતાભ જેવા કલાકારની મિમિક્રી માટે માંડ ૫૦ રુપિયા મળતા હતા.
જોકે, ધી ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જથી તેમનો સિતારો ચમક્યો હતો. કોમેડિયન તરીકે તેઓ દેશભરમાં જાણીતા બન્યા હતા. તે પછી દેશવિદેશમાં સ્ટેન્ડ અપ કોમેડીના શો, ટીવી શો વગેરે દ્વારા તેઓ કરોડોની સંપત્તિના સ્વામી બન્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર તેમની નેટવર્થ આશરે ૨૦ કરોડની મનાતી હતી. તેમની પાસે બીએમડબ્યૂ થ્રી, ઓડી ક્યૂ સેવન સહિતની વૈભવી કારો હતી.