પુત્રીએ કહ્યું, મમ્મી દરજીએ ડ્રેસનું માપ લેતાં મારી સાથે ગંદુ કામ કર્યું
રાજકોટ, : રેલનગરની છત્રપતી શિવાજી ટાઉનશીપમાં રહેતા શૈલેષ ભલગામડીયા નામના દરજીએ ગઈકાલે એક તરૂણીને માપ દેવાના બહાને પોતાના ઘરે બોલાવ્યા બાદ તેના શરીર સાથે અડપલા કરતા સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર તરૂણીની માતાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે પાડોશમાં રહેતી એક મહિલાએ ઘરે આવી તેને કહ્યું કે, દરજી કામ કરતા શૈલેષે તેની પુત્રીને ડ્રેસનું માપ લેવા માંટે બોલાવ્યો છે. તેથી તેની પુત્રી નાની બહેનને લઈ ડ્રેસનું માપ આપવા ગઈ હતી. થોડીવાર પછી તે શૈલેષનાં ઘરે જવા માંટે રવાના થઈ ત્યારે રસ્તામાં પુત્રી મળી હતી. જે ખુબ જ ગભરાઈ ગયેલી હાલતમાં હતી.
જેથી તેને શું થયું તેમ પુછતા રડતા રડતા કહ્યું કે, શૈલેષભાઈએ ડ્રેસનું માપ લેતા લેતા તેના શરીર સાથે અડપલા કર્યા હતાં. જેથી તેને ટપારતા શાંતીથી ઉભી રહેવાનું કહી બીજી વખત પણ આ કૃત્ય કર્યું હતું. જેને કારણે તેને બીક લાગતા ભાગીને તેના ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે શેલેષનાં ઘરે જઈ ઠપકો આપ્યો હતો. જેને કારણે તે અંદરના રૂમમાં જતો રહ્યો હતો.
ભોગ બનનાર તરૂણીની માતાએ પોલીસને જણાવ્યું કે તેની પુત્રીએ તેને જે વાત કરી તે શબ્દોમાં વર્ણાવી શકે તેમ પણ નથી. તત્કાળ તેણે પતિને ફોન કરી બોલાવ્યા બાદ પ્ર.નગર પોલીસમાં જઈ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપરકડ કરી હતી.