રાજકોટમાં નવદંપત્તિ બાબુ અને મમતાએ સજોડે જીવ દીધો, પરિવારમાં શોકની કાલીમા
શહેરના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં મેઇન રોડ પર રહેતાં દેવીપૂજક પરિવારના નવદંપતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બાબુ વિનુભાઇ સોલંકી (ઉ.વ.૨૧) અને તેની પત્નિ મમતા બાબુ સોલંકી (ઉ.વ.૧૯)એ પોતાના રૂમમાં લોખંડની આડીમાં સાડી અલગ અલગ સાડી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું હતું. કરૂણતા એ છે કે બે મહિના પહેલા જ આ બંનેના લગ્ન થયા હતાં. બાબુના પિતાના કહેવા મુજબ લગ્ન થયા ત્યારથી જ મમતા અંકલેશ્વર રહેવા જવાની જીદ કરતી હતી. આ કારણે પતિ-પત્નિ વચ્ચે કલેશ થતાં આ પગલુ ભર્યાની શક્યતા છે. પોલીસ મમતાના માવતર આવે તેની રાહ જોઇ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જય જવાન જય કિસાન સોસાયટી મેઇન રોડ પર રહેતાં દેવીપૂજક વિનોદભાઇ અરજણભાઇ સોલંકીના દિકરા બાબુ (ઉ.૨૧) અને પુત્રવધૂ મમતા બાબુ (ઉ.૧૯)એ પોતાની રૂમમાં લોખંડની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી કોમલબેનને થતાં તે પાઇલોટ રઘુભાઇ સાથે પહોંચ્યા હતાં. તપાસ બાદ તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં બી-ડિવીઝનના પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા સહિતની ટીમે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આપઘાત કરનાર બાબુ સોલંકીના પિતા વિનોદભાઇ અરજણભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે દિકરા બાબુના લગ્ન ગત ૨૧/૫ના રોજ અંકલેશ્વરના ઉમેશભાઇ જયંતિભાઇ અધારીયા અને ગીતાબેન ઉમેશભાઇ અઘારીયાની દિકરી મમતા સાથે થયા હતાં. બાબુ મારી સાથે જ ઘર નજીક શક્તિ સ્ટુડિયોમાં બેસી ફોટોગ્રાફીનું કામ કરતો હતો. તે ચાર બહેન અને બે ભાઇમાં પાંચમા નંબરે હતો. મારા અન્ય સંતાનના નામ પૂનમ, હિરલ, મધુ, ધની અને હિરેન છે.
રાતે અમે બધા સાથે જમ્યા હતાં અને એ પછી સવા નવ સાડા નવ આસપાસ બાબુ અને મમતા તેના રૂમમાં જતાં રહ્યા હતાં. આજે સવારે મોડે સુધી આ બંને જાગીને ન આવતાં અમારા ઘરના બૈરાઓએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. લાંબો સમય દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં હું ઘોડો મુકી પતરા પર ચડયો હતો અને રૂમના સિમેન્ટના પતરા તોડીને જોતાં અંદર દિકરો બાબુ અને વહૂ મમતા લટકતા જોવા મળ્યા હતાં. અંદર ઉતરી દરવાજો ખોલીને ૧૦૮ને અમે જાણ કરી હતી. પરંતુ બંનેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.
વિનોદભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે બાબુના લગ્ન મમતા સાથે જ્ઞાતિના રીતીરિવાજ મુજબ રંગેચંગે થયા હતાં. પરંતુ લગ્ન થયા ત્યારથી પુત્રવધૂ મમતા તેના વતન અંકલેશ્વર જવાની વાતો સતત કરતી હતી અને અવાર-નવાર ઘરમાં દેકારો કરી બહાર નીકળી જતી હતી. એ પછી અમે ઘરના લોકો અને પડોશીઓ મળીને તેને સમજાવીને પરત ઘરમાં લાવતાં હતાં. આ મામલે અગાઉ તેણીના માવતરને પણ જાણ કરી હતી. એ લોકોએ પોતે આવે છે તેવું કહ્યું બાદ આવવાનું માંડી વાળ્યું હતું. મમતાને અંકલેશ્વર રહેવા જવું હોઇ તે મામલે કદાચ તેણીને પતિ બાબુ સાથે મનદુઃખ થતાં બંનેએ કંટાળીને આ પગલુ ભર્યાની શક્યતા જણાઇ રહી છે.
વિનુભાઇએ વધુમાં કહ્યું હતું કે મમતા સતત અંકલેશ્વર રહેવા જવાની જીદ કરી ઘરમાં માથાકુટ કરતી હોઇ તેણીના માવતર ન આવતાં તેણીના કુટુંબી દાદા વિનુભાઇ અઘારીયા કે જે જોડીયાના બોડકા ગામે રહે છે તે મારી દિકરીના પણ સસરા થતાં હોઇ અમે તેને અમારી ઘરે બોલાવ્યા હતાં. તેણે પણ મમતાને લગ્ન કરીને અહિ આવી હોઇ અને બાબુનો કામધંધો પણ અહિ હોઇ જેથી અહિ જ રહેવું પડે તેમ કહીને સમજાવી હતી. ત્યાં હવે આ બનાવ બની ગયો હતો.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે. તેમજ મમતાના માવતરને બનાવની જાણ કરવામાં આવી હોઇ તે આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરશે. જે આંગણે બે મહિના પહેલા દિકરાના લગ્નના ઢોલ વાગ્યા હતાં એ આંગણે આજે એ જ દિકરા અને નવોઢા વહુના નામના મરશીયા ગવાતાં કલ્પાંત સર્જાયો હતો. પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને સ્ટાફ વધુ તપાસ કરે છે.