GUJARAT

નવરાત્રીના પ્રથમ દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી, અમદાવાદમાં વરસાદી ઝાપટું

અમદાવાદ: સમગ્ર દેશમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સવારથી જ માતાજીના મંદિરોમાં ભક્તોનું ધોડાપુર જોવા મળ્યું હતુ. બીજી બાજુ ખેલૈયાઓમાં પણ અનેરો થનગનાટ છવાયો છે. બે વર્ષથી કોરોનાને કારણે ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી શકતા ન હતા. જેથી આ વખતે ખેલૈયાનો જોમ પણ બેવડાયો છે. ત્યારે ગુજરાતીઓ નવરાત્રીમાં વરસાદ વિલન ન બને તેવી જ પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, આજે સવારે અમરેલી, ગીર સોમનાથ, સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ગીર સોમનાથના ઉના પંથકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓઢવ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે અમદાવાદીઓ ચિંતામાં મુકાયા છે કે, રાતે નવરાત્રી થશે કે નહીં.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે.

નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28મીથી બીજી તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાપટાં પણ પડી શકે છે.

જ્યારે તારીખ પાંચમી સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *