GUJARAT

નવરાત્રીમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી

નવરાત્રી 2022ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ પણ જામ્યોછે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ તરફથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 17-18 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. વૉલમાર્ક લૉ પ્રેશર અને વરસાદી ટર્ફની અસરને પગલે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 15 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રી ચોમાસાના વિદાય સમય વચ્ચે આવે છે. આ કારણે ચોમાસામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 99.14% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ છે.

ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર સતર્ક બન્યુ છે. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા 20 ફૂટ છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. પાણીનુ લેવલ મેઇન્ટેન કરવા ઓવરફ્લો કરવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *