રાહુલ ગાંધીએ પોતાના મનપસંદ જીવનસાથીને લઈને આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી : ભારત જોડો યાત્રા પર નીકળેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના મનપસંદ જીવનસાથીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાની જીવનસાથી તરીકે એવી છોકરી પસંદ કરશે, જેમાં તેમના દાદી ઈન્દિરા ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીના ગુણોનો સમાવેશ હોય. રાહુલ ગાંધીએ એક યુટયુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ જાણકારી આપી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના મનપસંદ જીવનસાથી વિશે પ્રથમ વાર માહિતી શેર કરતા જણાવ્યું કે, તેઓ માતા અને દાદીના ગુણો ધરાવતી કન્યા જોડે લગ્ન કરવા માંગે છે. રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધી વિશે જણાવ્યું કે, દાદી તેમના જીવનનો પ્રેમ હતી.દાદી ઈન્દિરા ગાંધી તેમની બીજી માતા હોવાનું તેમણે કહ્યું હતું.
તેમને ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઈન્દિરા ગાંધી જેવી ખૂબી ધરાવતી છોકરી જોડે લગ્ન કરવા માંગશે? ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે સવાલને રસપ્રદ ગણાવીને જણાવ્યું કે,તેઓ એવી છોકરી પસંદ કરશે જેમાં માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીના ગુણોનો સમાવેશ થતો હોય.
રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમને પપ્પુ કહેવામાં આવે છે ત્યારે તેમને ખરાબ નથી લાગતું ? ત્યારે તેમણે જણાવ્યું કે, આ દુષ્પ્રચારનો એક ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે, જે બોલી રહ્યા છે, તેમના મનમાં ડર અને નફરત છે. તેમણે કહ્યું કે, કોઈ ભલે મને ગાળો આપે અને નફરત કરે, પરંતુ હું કયારેય નફરત નહીં કરુ.