આ મહિલા કોન્સ્ટેબલે વિદ્યાર્થી બનીને રેગિંગનો કર્યો પર્દાફાશ
ઈન્દોર : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પોલીસે નવતર પ્રયોગ કરીને એમજીએમ કોલેજના રેગિંગ કેસને ઉકેલ્યો છે. અહીં મહિલા પોલીસ કોન્સ્ટેબલે જુનિયર વિદ્યાર્થી બનીને કોલેજમાં થઈ રહેલ રેગિંગનો પર્દાફાશ કર્યો છે. આ મહિલાએ જે પુરાવા એકત્ર કર્યા તેના માધ્યમથી સીનિયર વિદ્યાર્થીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈન્દોરની મેડિકલ કોલેજમાં થઈ રહેલા રેગિંગ મામલે ફરિયાદ મળતા પોલીસે ૨૪ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ શાલિની ચૌહાણને મેડિકલની જુનિયર વિદ્યાર્થીની બનાવીને મોકલી હતી. શાલિનીએ આ મામલાની માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને પાંચ મહિના પહેલા રેગિંગની ફરિયાદ મળતા તેને કોલેજ સ્ટુડન્ટ તરીકે મોકલાઈ હતી.
શાલિનીએ કોલેજમાં વિતાવેલા સમય વિશે જણાવ્યું કે, તેણે ૫ મહિનાના સમય દરમિયાન કોલેજમાં મિત્રો બનાવ્યા અને કોલેજની કેન્ટીનમાં પોતાનો સમય વિતાવ્યો હતો. તેણે જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા તેને શંકાના આધારે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું.
શાલિનીએ કેન્ટીનમાં વિતાવેલા સમય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જોડે વાત કરતા તેને આરોપી સિનિયરોના રેગિંગ વિશે ચોક્કસ માહિતી મળી હતી. શાલિનીના રિપોર્ટના આધારે પોલીસે ૧૦ વિદ્યાર્થીઓ સામે કેસ નોંધ્યો છે. આ બાદ ૧૦ માંથી ૮ વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીઘા હતા. ત્યારબાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો.