ગાંધીનગરમાં ગૃહવિભાગના સેવકની ગોળી મારીને હત્યા કેસમાં પોલીસનો ધડાકો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા ગામે રહેતા અને ગૃહવિભાગમાં સેવક તરીકે ફરજ બજાવતા યુવાનની ગોળી મારીને કરવામાં આવેલી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો હતો અને પત્નીના પ્રેમીની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ત્યારે પરિણીતાએ પ્રેમીને ધરમના ભાઇ તરીકે ઓળખ આપીને અનૈતિક સંબંધો રાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઇન્દ્રોડા ગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા સચિવાલયના ગૃહવિભાગમાં સેવક તરીકે ફરજ બજાવતા હતા ગત ૨૬ સપ્ટેમ્બરે સોમવારે તેઓ નિત્યક્રમ મુજબ ઘરેથી સાયકલ લઇને કચેરીએ જવા માટે નિકળ્યા હતા તે સમયે બીરસામુંડા ભવન પાસે ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે કિરણજીની પત્ની પ્રેમીલાના પ્રેમી ગોઝારીયાના જીતેન્દ્ર કિરીટભાઇ પટેલ અને તેના સાગરીત જૈમિન ભરતભાઇ રાવળની ધરપકડ કરી લીધી હતી.
આ બન્ને આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવતા તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, જીતેન્દ્ર હત્યા કરવા માટે ૪૦ હજાર રૃપિયામાં રાજસ્થાનથી દેશી બનાવટનો તમંચો લઇ આવ્યો હતો.
બીજીબાજુ પ્રેમીલાને ઘણા સમયથી જીતેન્દ્ર સાથે સંબંધો હતા અને જીતેન્દ્ર ઘરે આવી જઇ શકે તે માટે સાસરી પક્ષના લોકોને તે ધરમનો ભાઇ હોવાની ઓળખ આપી હતી. ત્યારે હાલ તો પોલીસ આરોપીઓના રિમાન્ડ દરમ્યાન સમગ્ર ઘટનાનું રીકંસ્ટ્રક્શન પણ કરાવનાર છે.