GUJARAT

યુગપુરુષ પ્રમુખ સ્વામી મહારાજની આ વાતો ચોક્કસ તમે નહીં જાણતાં હોવ

ગુજરાત રાજ્યમાં વડોદરા શહેરને અડીને ચાણસદ નામનું એક નાનું ગામ આવેલું છે. આ ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત શ્રી મોતીભાઈ પટેલ અને દીવાળીબેનને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ ૭ ડિસેમ્બર ૧૯૨૧ ના રોજ થયો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ હતું. ચાણસદ ગામ સ્વામિનારાયણ સત્સંગી હોઈ, જુદા જુદા સાધુઓ આ ગામની વારંવાર મુલાકાત લેતા. વિચરણ દરમ્યાન તેઓ શ્રી મોતીભાઈના ઘેર પણ પધરામણી કરતા. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પણ અવારનવાર ચાણસદની મુલાકાત લેતા. બાળક શાંતિલાલને ઘોડિયામાં જ શાસ્ત્રીજી મહારાજે આશિષ આપતી વખતે કહ્યું હતું કે, “એ અમારો છે. ભવિષ્યમાં અમને જ અર્પણ કરી દેશો.”

બાળક શાંતિલાલ મોટા થતાં તેઓ શાળાએ જવા લાગ્યા. હવે ચાણસદ ગામની પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કર્યા પછી શાંતિલાલ વડોદરા જિલ્લાના શહેરી કેન્દ્ર પાદરા ગયા. અહીં માધ્યમિક શાળા હતી અને અંગ્રેજી પણ ભણાવાતું હતું. વિદ્યાર્થીકાળમાં પણ તેમનો સાધુઓ સાથેનો સંપર્ક સતત ચાલુ રહ્યો. વારંવાર તેમને શાસ્ત્રીજી મહારાજ સાથે રહેવાની તક પણ મળતી. એમના નમ્ર સ્વભાવના કારણે તે સાધુઓમાં પ્રિય હતા. તે દિવસ તા. ૭-૧૧-૧૯૩૯ ને મંગળવાર અને એકાદશી હતી. ૧૯૩૯ ની ૭મી નવેમ્બર મોતીભાઈને શાસ્ત્રી મહારાજનો એક પત્ર મળ્યો. તે દિવસે શાંતિલાલ અઢાર વર્ષ લગભગ પૂરાં કરી રહ્યા હતા. ત્યારે પત્રનો સંદેશ આ હતોઃ “શાંતિલાલને સાધુ થવા માટે બોચાસણ (સ્વામીનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર) આવવાનો સમય પાકી ગયો છે.” માતા પિતાએ એમને હૃદયના આશિષ આપ્યાઃ “જા ભાઈ, ઈશ્વર તારાથી રાજી થશે. અમારા પૂરા આશીર્વાદ છે.”

પાર્ષદ અને ભાગવત દીક્ષા :
શ્રી ઘનશ્યામ સ્વામીના માર્ગદર્શન હેઠળ શાંતિલાલે સાધુ તરીકેની પૂરી તાલીમ લીધી. ગામેગામ, મોટે ભાગે પગપાળા તેઓ ફર્યા. તેમના માટે એ કપરા દિવસો હતા. છેવટે તેઓ બોચાસણમાં સ્થાયી થયા. શંકર ભગત અને નિર્ગણ સ્વામી એમની દેખભાળ રાખતા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી તાલીમ ચાલતી. પાર્ષદ એ સાધુ થવાની સીડીનું પ્રથમ પગથિયું છે. ૧૯૩૯ ની ૨૨મી નવેમ્બરને બુધવારના રોજ પાર્ષદની દિક્ષા મળતાં તેઓ ‘શાંતિ ભગત’ બની ગયા. પાર્ષદની દીક્ષા સમયે મળતું ‘ભગત’નું બિરૂદ એ પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ છે. પાર્ષદની દીક્ષા મળતાં દીક્ષાર્થીએ સફેદ પાઘ, સફેદ ગાતરીયું ધોતીયું અને સફેદ ઉપવસ્ત્ર ધારણ કરવાનું હોય છે.

લાકડાના પત્તરામાં બધુ જ ખાવાનું એક રસ કરીને નિઃસ્વાદ ભોજન જમવાનું હોય છે. બ્રહ્મચર્યનું કડક પાલન કરવાનું હોય છે. આ તબક્કાની તાલીમ પણ ઘણી કપરી હોય છે. રાત-દિવસ જોયા વગર ઘનિષ્ઠ તાલીમ અપાય છે. શાંતિલાલે સખત મહેનત કરી. ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું. શાસ્ત્રીજી મહારાજનો અનન્ય રાજીપો મેળવ્યો. પછી તેમને ગોંડલ લઈ જવામાં આવ્યા. અહીં બીજા મહાન આધ્યાત્મિક અગ્રણી શ્રી યોગીજી મહારાજ સાથે એમનો ભેટો થયો.

શાસ્ત્રીજી મહારાજે અહીં પોષ સુદ એકમ, વિક્રમ સંવત ૧૯૬૬ અને બુધવાર, તા. ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ ના રોજ સાધુ તરીકે એમને ભગવા કપડાંની ભાગવતી દીક્ષા આપી. તેમણે અક્ષરદેવીની મહાપૂજા કરી. યોગીજી મહારાજે આશિષ આપ્યા અને કહ્યું, “એ મહાન સાધુ બનશે.” શાસ્ત્રીજી મહારાજે કહ્યું “આપણે એને નારાયણસ્વરૂપ દાસજી નામ આપીએ. હું ઈચ્છું છું કે તે ખૂબ અભ્યાસ કરે અને વિદ્વાન બને. હું તેને ખૂબ ક્ષમતાવાળો મહાન સાધુ બનાવવા ઈચ્છું છું.” આ વખતે તેમની ઉંમર ૧૯ વર્ષની હતી.

નારાયણસ્વરૂપદાસજીએ તે પછી અનેક કેન્દ્રોમાં ફરવાનું શરૂ કર્યું. ઘણાં ગામોમાં વિચરણ કર્યું. ઘણાં બધાં લોકોને મળ્યા. સંસ્કૃત શીખ્યા ને ધર્મગ્રંથોનું બારીકાઈથી અધ્યયન કર્યું. છ વર્ષ પછી, ૧૯૪૬ ના વર્ષમાં તેઓ સારંગપુર મંદિરમાં ‘કોઠારી’ તરીકે નિમાયા. કોઠારી સ્વામીનો હોદ્દો ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે વહીવટી સંબંધી જવાબદારીઓ પણ સંભાળવાનો છે. તેમણે મંદિરમાં સમગ્ર કામકાજ ઉપર દેખરેખ રાખવાની અને વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન રાખવાનું હોય છે.

– ડો. કિરીટ શેલત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *