GUJARAT

USમાં સત્સંગી પટેલની હત્યાના 13માં દિવસે સ્વામિનારાયણ સંતોના હસ્તે અપાયો અગ્નિદાહ

અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા અને મૂળ આણંદ નજીક આવેલ કરમસદના પિનલભાઇ પટેલની અશ્વેતો દ્વારા 13 દિવસ પહેલાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમનાં પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. પિનલભાઇ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો સત્સંગી પરિવાર છે. જેથી પિનલભાઇના અંતિમ સંસ્કાર ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યા છે.

અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે 2 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે બ્રુપી-સ્કોટ મેમોરિયલ સ્મશાન ખાતે પિનલભાઇના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં પરિવાર અને સંબંધીઓ તેમજ ગુજરાતી સમાજના લોકો ત્યાં હાજર રહ્યા હતા. અંતિમવિધિ દરમિયાન બે કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. પિલનભાઇને અંતિમ વિદાય આપતા સમયે પરિવારજનો અને સંબંધીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી પડ્યાં હતાં. પિનલભાઇ અને તેમનો પરિવાર સત્સંગી હોવાથી ઘનશ્યામપ્રકાશદાસજી સહિતના સંતો હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મુખાગ્નિ આપવામાં આવ્યો હતો.

આણંદ પાસેના કરમસદના મૂળ વતની અને અમેરિકાના એેટલાન્ટા સિટીમાં વર્ષ 2003થી રહેતા 52 વર્ષીય પિનલભાઈ પટેલ સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 20 જાન્યુઆરી 2022ના રોજ તેઓ તેમજ પત્ની 50 વર્ષીય રૂપલ અને 17 વર્ષીય પુત્રી ભક્તિ બહાર ગયાં હતાં. એ પછી તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવ્યાં હતાં ત્યારે તેમના ઘરમાં અશ્વેત ચોર ઘૂસી આવ્યા હતા. જેથી પિનલભાઇએ ગો બેક… ગો બેક કહીને ચોરનો પ્રતિકાર કર્યો હતો. પરંતુ બંદૂકધારી લૂંટારુઓએ પિનલભાઇ તથા તેમની પત્ની અને પુત્રી પર આધેડ ગોળીબાર કર્યો હતો. જેમાં પિનલભાઇનું મૃત્યુ થયું, જ્યારે રૂપલબેન અને ભક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

વાઘોડિયા-ડભોઇ રોડ સ્થિત સ્વામિનારાય મંદિર લોયાધામ વડોદરના દર્શન સ્વામીએ જણાવ્યું હતું કે, પિનલભાઇ પટેલ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે વર્ષોથી સંકળાયેલ સત્સંગી પરિવાર છે. અશ્વેતો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પિનલભાઇને પગથી કમર સુધીના ભાગમાં લગભગ દસ ગોળી વાગી હતી. તેમની દીકરી અને પત્નીને પણ ગોળીઓ વાગી હતી. દીકરી ભક્તિએ હિંમત કરીને પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં પોતાનું સ્વેટર કાઢી પિતાને ઇજાઓ થઇ હતી ત્યાં બાંધ્યું હતું. પરંતુ કમનસીબે પિનલભાઇનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. જે અંગે દીકરી ભક્તિએ તેના મામા સંજીવકુમારને ફોન કરી જાણ કરી હતી. રૂપલબેન અને ભક્તિની સફળ સર્જરી કરવામાં આવી છે અને બંનેની સ્થિતિ સારી છે.

સંજીવકુમાર પણ સત્સંગી છે અને તેમનો દીકરો છેલ્લાં ત્રણ વર્ષથી ત્યાગાશ્રમમાં તિલકભગત તરીકે સંસ્થામાં જોડાયેલા છે. હાલમાં ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહ્યા છે. જેથી સંજીવકુમારે આ બનવા અંગે ફોનથી ગુરુજી ઘનશ્યામપ્રકાશદાસજીને જાણ કરી હતી. જેથી તેમના પરિવારને સાંત્વના આપવા ગુરુજી આખી રાત જાગ્યા હતા. તેમજ પિનલભાઇના અંતિમ સંસ્કાર પૂ. ગુરુજી ઘનશ્યામપ્રકાશદાસજીની હાજરીમાં મેક્કનમાં થશે.

પિનલભાઈના પરિવારમાં દીકરો પૂજન પટેલ, દીકરી ભક્તિ પટેલ, પત્ની રૂપલબહેન પટેલ, બહેન રેશ્માબહેન પટેલ તથા માતા પ્રભાવતીબહેન પટેલ છે. પિનલ પટેલનાં માતા પ્રભાવતીબહેન બીમાર રહેતાં હોવાથી તેમની દીકરી રેશ્માબહેન સાથે સેલવાસમાં રહે છે.

પિનલભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી હતા. આ ઘટના સમયે શું શું થયું અને એમનું જીવન કેવું હતું એ અંગે દર્શન સ્વામી (લોયાધામ, સ્વામિનારાયણ મંદિર)એ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાં પિનલભાઈ આણંદથી અમેરિકા ગયા હતા, ત્યાં તેમના અમારા સંજીવ ભગત છે એ તેમના સાળા થાય છે. સંજીવ ભગત તેમને ત્યાં લઈ ગયા હતા. જ્યાં સંતોના સંપર્કમાં આવ્યા હતા. એટલાન્ટા સિટી પાસે જ્યોર્જિયાના એક ટાઉન મેકોનમાં રહેતા હતા.

તેઓ તેમના સાળાને ત્યાં નોકરી કરતા હતા અને ત્યાં સંતોના સંગમાં આવ્યા એટલે ધીમે ધીમે સત્સંગી થયા અને પડીકીના વ્યસનનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણને આશ્રિત થયા અને બહુ સારા મદદનીશ વ્યક્તિ થયા. સંતોની પણ સેવા કરતા સમાજમાં પણ કોઈને જરૂર હોય તો તેમની મદદ કરતા, ઇન્ડિયાથી કોઈ ગયું હોય તો તેમના ઘરે રાખી નોકરી શોધવામાં સંભવિત સપોર્ટ કરતા હતા.

સત્સંગી એવા પટેલ પરિવાર અંગે જણાવતા દર્શન સ્વામીએ આગળ જણાવ્યું કે, તેમને પૂજન (21 વર્ષ) નામનો દીકરો અને દીકરી ભક્તિ (17 વર્ષ)ની છે. જ્યારે તેમનાં પત્ની રૂપલબેન છે. ચાર વ્યક્તિનો પરિવાર ખૂબ સત્સંગ સાથે સંકળાઇને ધીમે ધીમે ખૂબ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત થઈ ગયાં હતાં. પછી તો તેમનું જીવન સ્ટોર, મંદિર અને ઘર જ હતું.

સંતોની સાથે વિચરણમાં જવાનું થાય તો અમેરિકામાં પોતાની ગાડી લઈને સંત સાથે જાય. તેમના સાળા સંજીવ ભગતનો એકનો એક દીકરો પણ એમણે લોયાધામ મંદિરમાં સંત થવા માટે રજા આપી અને ગુરુજીને દીકરો અર્પણ કર્યો છે. દીકરો અમેરિકામાં જ જન્મ્યો અને ત્યાં જ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કર્યો. અમારે ત્યાં છેલ્લાં ત્રણ વર્ષથી પાર્ષદ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવા આપે છે, એ આખો જ પરિવાર ખૂબ ભગવદીય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *