ઉત્તરાયણમાં ગુજરાતીઓએ મજા માણી પણ આ પરિવાર પર તુટી પડ્યો પહાડ
રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ તો રંગેચંગે ઉજવાયો પરંતુ કાતિલ ચાઈનિઝ દોરીએ અનેક પરિવારોના ઘરમાં માતમનો માહોલ પેદા કરી દીધો હતો. રાજ્યમાં ચાઈનીઝ દોરીથી 6 લોકોનાં કમકમાટીપૂર્ણ મોત થયા હતા જ્યારે અનેક લોકો ધાબા પરથી પટકાઈ જવાને કારણે અને દોરીને લીધે ઘાયલ થયા હતા.
રાજ્યમાં સેંકડો પક્ષીઓ પણ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. રાજકોટમાં પતંગની દોરીથી 125 પક્ષીનાં મોત થયા હતા. અનેક જગ્યાએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા અને સેવાભાવી સંસ્થાઓના સભ્યોએ ઘાયલ પક્ષીઓને બચાવવા માટે દોડી જઈને તેમને બચાવ્યા હતા.
હેલ્મેટ- મફલરનું પ્રોટેક્શન છતાં ગળું ચીરાયું
વડોદરા: શહેરમાં ઉત્તર પ્રદેશના વતની 35 વર્ષીય સ્વામીજી પરમાત્મા યાદવ ટુ વ્હીલર ઉપર રણોલી બ્રિજથી વડોદરા તરફ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે ગળામાં દોરી ભરાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. સેફટી માટે તેમણે હેલ્મેટ અને ગળા પર મફલર પણ વીટાળેલું હતું. તેમ છતાં પ્લાસ્ટિક જેવો દોરો તેમના ગળા ઉપર ફરી વળતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
અઢી વર્ષની બાળકીના ગળામાં દોરી ભરાતાં મોત
ભાવનગર: ઉતરપ્રદેશના પુનિતકુમાર યાદવ તેના પરિવાર સાથે નવું એક્ટીવા લેવા નિકળ્યા હતા. બાદ એક્ટિવા લઇ પરત ફરતા શહેરના લાલ ટાંકી પાસે બાઇકમાં બેઠેલી તેમની અઢી વર્ષની દિકરી કિર્તીબેનના ગળામાં એકાએક પતંગની દોરી ભરાતા ગળાના ભાગે દોરી અંદર ઘૂસી જતા લોહી ખૂબ જ વહી ગયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
4 વર્ષની બાળાનું દોરીથી ગળું ચીરાતાં મોત
વિસનગર: વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા ઠાકોર રણજીતસિંહની પત્ની તેમની 4 વર્ષીય દીકરી કિસ્મતને લઇ ઉત્તરાયણના દિવસે બજારમાંથી પરત ઘરે આવતી હતી. ત્યારે એસટી બસને વીંટાયેલી ચાઇનીઝ દોરી તેમની દીકરીના ગળાના ભાગે આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
રાજકોટમાં છ વર્ષના બાળકનું ગળું કપાયું
રાજકોટ: શહેરમાં લોઠડા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારના છ વર્ષના પુત્રને પતિ-પત્ની પતંગ અપાવવા બજારમાં લઈ ગયા હતા.આજી ડેમ પાસેથી પસાર થતા સમયે અચાનક જ તેમના પુત્ર રિષભે ચીસ પાડી હતી અને તે લોહીથી લથબથ થઈ ગયો હતો. તેના ગળામાં દોરી ભાઈ ગઈ હતી. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો પરંતુ બચી શક્યો ન હતો.
ગાંધીધામમાં 4 બહેના એક ભાઈની જીવનદોરી કપાઈ
ગાંધીધામ : ઉત્તર પ્રદેશના 20 વર્ષીય નરેન્દ્ર પમાભાઇ વાઘેલા ભારતનગર રહેતા તેના ફઇના ઘરેથી બાઇક પર પોતાના ઘરે જઇ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી તેના ગળામાં ફસાતાં ગળું કપાયું હતું અને લોહી લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ રહ્યો હતો તે દરમિયાન મોરબી પાસે આ 20 વર્ષીય યુવાને દમ તોડી દીધો હતો.મૃતક યુવાન પરિવારનો એક માત્ર કમાનાર વ્યક્તિ હતો. તે એચડીએફસી બ્રાન્ચમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો.
છત્રાલના યુવકનું ગળામાં દોરી આવતાં સ્થળ પર મોત
કલોલ : કલોલમાં છત્રાલમાં રહેતો મૂળ ઈડરના કુવાવાનો અશ્વિન ગઢવી છત્રાલ વિસ્તારમાં જ આવેલી એરેક્સ કંપનીમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવાર સવારે અશ્વિન ખાલી બાઈક લઈને આટો મારવા જ નીકળ્યો હતો. જોકે થોડી જ વારમાં પાછા આવવાનું કહીને નીકળેલો અશ્વિન ઘરે પરત ફર્યો જ ન હતો. કલોલના અંબિકા નગર હાઈવે પર પહોંચેલા અશ્વિનને ગળામાં દોરી વાગી અને સડક પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.