અમદાવાદમાં પત્નીને હોટલમાં પ્રેમી સાથે પતિએ કઢંગી હાલતમાં પકડી
નરોડામાં પતિ-પત્ની ઔર વો જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પત્નીને પતિએ હોટલમાંથી પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડી પાડતા હોબાળો મચી જવા પામ્યો હતો. બીજીતરફ પત્નીએ પોતાનો જન્મ દિવસ હોવાથી મિત્ર સાથે હોટલમાં આવી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષે મારા મારી અને જાનથી મારી નાખવાના આક્ષેપો કરતી ફરિયાદ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે કલોલ ખાતે રહેતા ૨૮ વર્ષના યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં રહેતી પોતાની પત્ની તથા કડી તાલુકાના એક ગામમાં રહેતા પ્રેમી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકના મહિલા સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. પતિને પત્નીને અન્ય યુવક સાથે આડા સબંધની શંકા હોવાથી બન્ને વચ્ચે આ મુદ્દે તકરાર થતાં ચાર વર્ષ પહેલા પત્ની રિસાઇને પિયરમાં રહેવા જતી રહી હતી.
બીજીતરફ ગઇકાલે પતિને ચોક્કસ બાતમી મળી હતી કે પોતાની પત્ની અન્ય પુરુષ સાથે નરોડા રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં આવી છે જેને લઇને ફરિયાદી યુવકે કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી અને પોલીસને સાથે લઇને હોટલમાં ગયા હતા જ્યાં હોટલના રૃમમાં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
આ સમયે પ્રેમી અને તેની પત્નીએ ફરિયાદીને તુ અહિયા કેમ આવ્યો છે. તુ અંહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા.
જ્યારે સામે પક્ષે મહિલાએ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર સાથે હોટલમાં આવી હતી. આ સમયે આરોપી પતિએ ત્યાં આવીને તું બીજા પુરુષ સાથે અહિંયા હોટલમાં શુ કરે છે, તેમ કહીને મારા મારી કરી હતી અને સાચુ બોલ નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.