જોધપુર રેલ્વે સ્ટેશને રડતી યુવતીને ગુજરાતની મહિલાએ પૂછ્યુ, બેટા કેમ રડે છે? પછી…..
‘મને બચાવી લો, મને તમારી સાથે લઇ જાઓ’ જોધપુર રેલવે સ્ટેશન પર લાચાર યુવતીની આંખોમાંથી આંસુ ટપકતા હતા. સ્ટેશન પર હૈયેથી હૈયું દળાય એટલી ભીડમાં પણ આ યુવતી એકલી હતી અને એવામાં એક મહિલાની નજર આ યુવતી પર પડી અને જોડે જઇને પૂછ્યું ‘બેટા કેમ રડે છે?’ આટલું પુછતા જ ચોધાર આંસુઓ સાથે યુવતીએ પોતાની હકીકત વર્ણવી જે કાળજું કંપાવી નાખે એવી હતી. આ હકિકત સાંભળીને મહિલા આ યુવતીને પોતાની સાથે લઇ આવ્યા. આ મહિલા હતા પાટણના સરોજબેન રાઠોડ.
નાનપણમાં મા-બાપ ભગવાનને વ્હાલા થઇ ગયા અને કાકાના ભરોષે ત્રણ બહેનો હતી. કાકાએ નાની દીકરીને અનાથ આશ્રમમાં મૂકી દીધી. ત્યાંથી મોટી બહેન નાની બહેનને લઇ આવી અને સ્કુલે મૂકી. બધુ રાબેતા મુજબ ચાલતુ હતું’ને એવામાં એક દિવસ નાની દીકરીનું અપહરણ થયું. શખ્સોએ અપહરણ કરીને બાળકીને વેચી દીધી. આ બાળકી કે હવે 19 વર્ષની થઇ ગઇ છે. તેનું આઠ વર્ષે પાટણના સરોજબેન રાઠોડે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ બાળકીની દર્દભરી જે દાસ્તાન છે તે જોઇએ આ અહેવાલમાં.
કર્ણાટકના હુબલી ગામમાં ત્રણ દીકરીઓના મા-બાપ કેટલાક વર્ષ પહેલાં સર્વગે સીધાવ્યા હતા. ત્રણેય બાળકીઓ કાકાના ભરોષે હતી. એમાંથી નાની પૂર્ણિમાં નામની 11 વર્ષની બાળકીને કાકાએ અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. જોકે, સમય જતા તેની મોટી બહેને તેને અનાથ આશ્રમમાંથી લાવીને સારા ભવિષ્ય માટે સ્કૂલે મૂકી હતી. આમ ત્રણેય બહેનો સાથે રહીને પરિસ્થિતિ સામે લડી રહી હતી. રાબેતા મૂજબ ચાલતા જીવનમાં એક દિવસ પૂર્ણિમાં સ્કૃલે ગઇ એ ગઇ પણ પરત ફરી ન હતી. આ અંગે મોટી બંને બહેનોએ તેને બહુ શોધી હતી પણ મળી ન હતી.
ઘટનામાં બન્યું એવું હતું કે, પૂર્ણિમા સ્કૂલેથી તેની બે સહેલીઓ સાથે પરત ફરી હતી, ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ ત્રણેય બાળકીઓનું અપહરણ કર્યું હતુ. ત્યારબાદ 15 દિવસ ગોંધી રાખીને તેમને વેચી દેવાનો પ્લાન બનાવ્યો હતો. શરૂઆતમાં લગ્ન માટે સમજાવી હતી પણ ત્રણેય બાળકીઓ ન માનતા તેમને જબરદસ્તીથી વેચી દીધી હતી.
આ ત્રણેય બાળકીઓને વેચી એમાં પૂર્ણિમાને રાજસ્થાનના સુરેશ નામના શખ્સને દોઢ લાખમાં આપી હતી. જેણે 11 વર્ષની પૂર્ણિમા સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં સુરેશ પૂર્ણિમાને સારી રીતે રાખતો હતો, પણ બાદમાં તેણે તેનું પોત પ્રકાશ્યું હતું અને પૂર્ણિમા સાથે શારીરિક માનસિક ત્રાસ અને અત્યાચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન પૂર્ણિમાને સારા દિવસો રહ્યા હતા પરંતુ બાળક મિસ થઈ ગયું હતું. ત્યારબાદ થોડો સમય થતા ફરીથી તેણે બાળકીને જન્મ આપ્યો હતો.
સતત શારીરિક માનસિક ટોર્ચરના કારણે ત્રાસેલી પૂર્ણિમાએ રાજસ્થાનથી ભાગીને પોતાના વતન જવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ સફળ બની શકી ન હતી. મોબાઇલ અને પૈસા પણ સુરેશે પડાવી લીધા હતા, જેથી પૂર્ણિમા નિઃસહાય હાલતમાં આ ત્રાસ અને અત્યાચાર સહન કરતી રહી હતી અને તેમાં વર્ષો વીતતા જતા હતા.
એક દિવસ પૂર્ણિમાને ભાગી જવાનો મોકો મળતા જ તે રાજસ્થાનના જોધપુર રેલવે સ્ટેશન ખાતે ગમે તેમ કરીને પહોંચી ગઈ હતી. રેલવે સ્ટેશન ખાતે બેઠી બેઠી તે રડી રહી હતી, ત્યારે પાટણના વતની અને ગાંધીનગર ખાતે રહેતા સરોજબેન રાઠોડ નામના મહિલાની નજર તેના પર પડી હતી. તેમણે આ દીકરી કેમ રડી રહી હશે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેથી પૂર્ણિમાએ પોતે રાજસ્થાનના અમુક વિસ્તારમાંથી ભાગીને આવી હોવાનું અને તેના પર ખૂબ જ ત્રાસ વર્તાવાતો હોવાનું જણાવી પોતે તેના વતન કર્ણાટક જવા માગતી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેની પાસે ટિકિટના ભાડાના પૈસા ન હોય તેણે સરોજબેનને આજીજી કરી હતી.
રામદેવપીરના દર્શન કરીને પરત આવી રહેલા સરોજબેન રાઠોડે આ મહિલાની સ્થિતિ પારખીને જોધપુર રેલવે સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કરાવ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવાઈ હતી, પરંતુ ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા તેને ફરીથી તેના સાસરે પાછા જતા રહેવા માટે કહેવામાં આવતા આ દીકરી રડતી રડતી દોડી આવીને સરોજબેન રાઠોડના પગમાં પડી હતી અને ‘દીદી મને બચાવી લો, મને આપની સાથે લઈ જાવ’, એવી આજીજી કરી હતી. જેથી એક મહિલાની વેદના સમજીને પાટણના સરોજબેન રાઠોડે સહેજ પણ ચિંતા કે પરવા કર્યા વિના આ દીકરીને પોતાની સાથે પાટણ લાવવાનો નિર્ધાર કર્યો હતો.
આ દરમિયાન તેમણે પૂર્ણિમા પાસેથી તેના ગામઠામ વિશે જાણીને મોબાઈલમાં ઓનલાઇન સર્ચ કરીને કર્ણાટક પોલીસ સ્ટેશનનો સંપર્ક શોધી કાઢ્યો હતો અને તેના પોલીસ અધિકારીઓને આ અંગે વાકેફ કર્યા હતા અને મદદ માગી હતી. સરોજબેનના કહેવા મુજબ કર્ણાટકના પોલીસ અધિકારીઓએ તેમને તમામ મદદની ખાતરી આપી હતી અને પોતાનો અંગત મોબાઈલ નંબર પણ આપ્યો હતો.
કર્ણાટક પોલીસે ઊંડી તપાસ બાદ તેની બે બહેનો અંગે ભાળ મેળવીને તેના નામ અને ફોન નંબર મેળવીને સરોજબેનને આપ્યા હતા. બીજી તરફ સરોજબેન પૂર્ણિમાને લઈને પાટણ આવ્યા હતા અને પોતાના ઘરે તેને રાખી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ પૂર્ણિમાને મદદ કરવા જાણ કરી હતી. જોકે, પોલીસે સરોજબેનને કોઈ અજાણી મહિલાને આ રીતે રાખવી તે જોખમી બની શકે તેમ હોવા અંગે વાકેફ કર્યા હતા, પરંતુ સરોજબેનને આ દીકરી પર પૂરો વિશ્વાસ હોય તેમણે પાટણ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી પાટણના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચવા જણાવતા તેઓ આ દીકરીને લઈને 5 તારીખે સખી વન સ્ટોપ સેન્ટર ધારપુર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના મહિલાઓએ તેનું કાઉન્સિલિંગ કરીને આશરો આપ્યો હતો.
બીજી તરફ પોલીસ તંત્ર અને અન્ય સહયોગી સંસ્થાઓના સહકારથી અપહરણ થયેલી પૂર્ણિમાની મોટા બહેનનો સંપર્ક થતાં પણ આઠ વર્ષ બાદ તેની નાની બહેનને ભાળ મળતા ખૂબ જ ભાવવિભોર થઈને ગમે તેમ કરીને પાટણ પહોંચી ગયા હતા અને તેમની નાની બહેન પૂર્ણિમાને મળીને ત્રણેય બહેનો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આ સમયે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
નાની બહેનની જાણ થતા મોટી બંને બહોનો પાટણ દોડી આવી
આઠ વર્ષથી ગુમ પોતાની નાની બહેનને મળવા માટે દોડી આવેલી મોટી બહેને પાટણના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તેમજ આ દીકરીને મુશ્કેલીના સમયે તેનો હાથ પકડીને તેને સહારો પૂરો પાડનાર અને પાટણ સુધી લાવનાર સરોજબેન રાઠોડ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્ણિમાની મોટી મોટી બહેન લક્ષ્મીએ તેની ગુમ થયેલી બહેન સુખરૂપ પરત મળે તે માટે મુંબઈ ખાતે જૈન દેરાસરમાં માનતા પણ માની હતી એમ તેણે જણાવ્યું હતું.
મારી પર ખૂબ ત્રાસ ગુજાર્યો: પૂર્ણિમા
પોતાની બહેનોને મળીને પૂર્ણિમાએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારી ઉપર ખૂબ જ ત્રાસ અને અત્યાચાર વર્તાવવામાં આવ્યો છે. મને ખુબ માર મારવામાં આવતો હતો, પરંતુ મેં સહન કરી લીધુ છે અને ભાગી છટવામાં સફળ બની છું, પરંતુ મારી સાથે જે અન્ય બે છોકરીઓનું પણ અપહરણ થયું હતું અને તેમને પણ રૂપિયા 50-50 હજારમાં વેચી દેવામાં આવી છે, તેમની પણ ભાળ મેળવીને તેમને પણ બચાવી લેવા મારી વિનંતી છે.
પૂર્ણિમા મારા ઘરે ત્રણ દિવસ રાખી: સરોજબેન
આ અંગે સરોજબેન હિમાંશુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અમે રામાપીરના દર્શને રામદેવરા ગયા હતા અને દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જોધપુર રેલવે સ્ટેશન ખાતે આ દીકરીને રડતી જોઈ હતી. અમારામાં તેને થોડો ઘણો વિશ્વાસ જણાતા અમારી પાસે આવીને તેની વેદના રજૂ કરી હતી. તેણે કહ્યું કે, મને સાસરીમાં ખૂબ જ ત્રાસ અને મારઝૂડ કરાતી હોય હું નાસીને આવી છું, મને મદદ કરો. જેથી તેની આપવીતી સાંભળીને અમે જોધપુર રેલવે સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કરાવી તેની મદદ કરવા જણાવ્યું હતું., પરંતુ જોધપુર રેલવે પોલીસે પણ આ મહિલાને સાંભળીને તેને તેના સાસરે પાછા જતી રહેવા સલાહ આપી હતી. જેથી તે રડતી રડતી કરી મારી પાસે આવી હતી અને મારા પગ પકડીને મદદ કરવા જણાવતા મેં તેને તેના વતનના સરનામા અંગે જાણીને કર્ણાટક પોલીસને ફોન કરી મદદ માટે અપીલ કરી હતી અને તેને મારી સાથે પાટણ લાવીને ત્રણ દિવસ સાચવી હતી.
બહેનોનું મિલન થયું, હુ મારી જાતને ધન્ય માનું છું: સરોજબેન
તારીખ 5-7 2022ના રોજ પૂર્ણિમાને સખી વન સ્ટોપ સેન્ટર લઈને ગઈ હતી, જ્યાંથી કર્ણાટક હુબલી ખાતે ફોન ઉપર થયેલી વાતચીત મુજબ તેની બહેનોનો સંપર્ક થતા તેઓ આજે પાટણ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્રણેય બહેનોનું શુભગ મિલન થતાં હું પણ આ દીકરીને તેની બહેનોના સાથેના મિલનમાં સહભાગી થવા બદલ મારી જાતને ખૂબ જ ધન્ય માનું છું.