શનિવારે ‘પ્રમુખસ્વામીનગર’નું તમામ પાર્કિંગ હાઉસફુલ!
છેલ્લા ઘણાં દિવસોથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જે આગામી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. છેલ્લા 10 દિવસમાં લાખો ભક્તો આ નગરીની મુલાકાત લઈ ચૂક્યા છે પરંતુ શનિવારે અચાનક જ લાખો લોકો જોવા મળ્યાં હતાં જેના કારણે પાર્કિંગ પણ પેક થઈ ગયા હતાં. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી નગર ખાતે શનિવારે અઢી લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા. જેના કારણે તમામ પાર્કિગ પ્લોટ વાહનોથી ઉભરાયા હતા. જો કે ટ્રાફિક વ્યવસ્થાપન કમિટીના હજારો સ્વયંસેવકોએ ખડેપગે રહેતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ નહોતી. સાથે સાથે નગરમાં તમામ પ્રદર્શન, બાળનગરી સહિતના વિભાગોમાં સવારથી રાત સુધી મુલાકાતીઓ મોટાપ્રમાણમાં જોવા મળ્યા હતા.
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ઓગણજ સર્કલ પાસે પ્રમુખસ્વામી મહારાજનગરમાં શનિવારે અઢી લાખ જેટલા મુલાકાતીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ૮૦ હજાર જેટલા સ્વયંસેવકો મળીને અંદાજે સાડા ત્રણ લાખ લોકો ૬૦૦ એકરના નગરમાં હતા. ખાસ કરીને પ્રમુખસ્વામી મહારાજ નગરના તમામ પાર્કિગ પ્લોટ પણ પેક થઇ ગયા હતા.
જેમાં ૧૧૬૦૦ કાર,૫૮૦૦ એસયુવી કાર, ૨૦૦૦ જેટલી ઇકો કાર,૬૭૦ જેટલી બસ અને મીની બસ, ૭૦૦૦ જેટલી રીક્ષા અને ટેક્ષી મળીને કુલ ૩૧ હજારથી વધુ વાહનો નોંધાયા હતા. સાથેસાથે નગરમાં બાળનગરી, તમામ પ્રદર્શન ખંડો, ગ્લો ગાર્ડન , લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ચુકી ન જવાય તે માટે ખુબ મોટા પ્રમાણમાં મુલાકાતીઓ લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.
જો કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાંની ક્ષમતા ચાર લાખથી વધારે લોકો સુધી રાખવામાં આવી હોવા ઉપરાંત, ૮૦ હજાર સ્વયંસેવકોને કારણે સમગ્ર નગરમાં વ્યવસ્થા જળવાઇ રહી હતી. ત્યારે રવિવારે ત્રણ લાખ જેટલા મુલાકાતીઓ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.