ટ્રકનું પૈડું ફરી વળતા બાઇકસવાર પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
મહીસાગર જિલ્લાના બાલાશિનોર પાસે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની એક જ પરિવારના ત્રણ સદસ્યો પતિ, પત્ની અને પુત્ર વેપાર માટે અમદાવાદ જતા હતા ત્યારે એક ટ્રક ચાલકે કચડી નાખતા ત્રણેના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ મહીસાગર જિલ્લાના બાલાશિનોર બસસ્ટેન્ડ પાસે ઝાલોદ તાલુકાના ઠેરકા ગામના વતની વિનોદભાઇ સંગાડા, તેમની પત્ની વનીતાબેન અને પુત્ર વ્યાન બાઇક ઉપર જઇ રહ્યા હતા.
ત્યારે તેમની બાઇકને ટ્રકે અડફેટે લેતા દંપતી અને પુત્ર પર ટ્રકનું ટાયર ફરી વળ્યુ હતુ અને આ ત્રણેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. અકસ્માતના બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી.
બાલાસિનોર નગરમાં અકસ્માતના સમાચાર વહેતા થતાં ઘટનાસ્થળે ટોળે ટોળા એકઠા થયા હતા પોલીસે મૃતક પરિવારના મૃતદેહને બાલાસિનોર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા અને ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી.