ગુજરાતના NRI પરિવારે USમાં ઘરે અમિતાભની પ્રતિમા સ્થાપી
મુંબઇ : મૂળ દાહોદના પણ હાલ અમેરિકા સ્થાયી થયેલા ગુજરાતી પરિવારે અમિતાભ બચ્ચનની વિશાળ પ્રતિમા તેમના ઘરના પ્રાંગણમાં મુકાવી છે. આ પ્રતિમા ૭૫ હજાર ડોલર એટલે કે આશરે ૬૦ લાખના ખર્ચે રાજસ્થાનમાં બનાવડાવવામાં આવી છે અને અહીંથી અમેરિકા મોકલવામાં આવી છે.
મૂળ ગુજરાતના દાહોદના ગોપી શેઠ અને તેમનાં પત્ની રિંકુ શેઠ ૧૯૯૦ના અરસામાં દાહોદથી અમેરિકા પહોંચ્યા હતા. તેઓ ન્યૂજર્સીમાં રહે છે. તેઓ અમિતાભના ખાસ પ્રશંસક છે. તેઓ બિગ બી એક્સ્ટેન્ડેડ ફેમિલી એવી બચ્ચન ચાહકો માટેની વેબસાઈટ પણ ચલાવે છે.
તેઓ આ પ્રતિમા બેસાડવાના છે એવી જાણ અમિતાભ બચ્ચનને પણ છે. જોકે, અમિતાભે તેમને નમ્રતાપૂર્વક કહ્યું હતું કે મને આટલું બધું સન્માન ન આપવું જોઈએ.
જોકે, ગોપી શેઠના જણાવ્યા અનુસાર તેમના માટે અમિતાભ એક ઈશ્વર સમાન છે. અમિતાભ બચ્ચન સાથે શેઠની મુલાકાત પ્રથમ વખત ૧૯૯૧માં ન્યૂજર્સીમાં નવરાત્રિ સમારોહ દરમિયાન થઇ હતી. ત્યારથી તેઓ તેમના બહુ મોટા પ્રશંસક બની ગયા છે.
તેમને અમિતાભનો સૌથી વધુ એ ગુણ સ્પર્શે છે કે તેઓ સામાન્ય માણસ સાથે પણ બહુ ગૌરવશાળી અને સન્માનીય રીતે વાત કરે છે.
તેઓ કૌન બનેગા કરોડપતિ શો માં દરેક સ્પર્ધકને એકદમ હળવાશનો અનુભવ કરાવે છે. આ સંદર્ભમાં અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં જે અંદાજમાં બેસે છે તે જ પોઝમાં તેમની મૂર્તિ ખાસ તૈયાર કરાવી છે.
એક ખાસ ગ્લાસ બોક્સમાં આ પ્રતિમા મુકવામાં આવી છે. આ પ્રસંગે ખાસ આતશબાજી કરવામાં આવી હતી.